મચ્છુ-૨ ડેમના ૧૬ ગેટ ૧૫ ફૂટ અને ૬ ગેટ ૭ ફૂટ ખોલાયા; નદીમાં અંદાજીત ૧.૮૯ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે
મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને પગલે જિલ્લાના લગભગ તમામ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે.
મોરબી રીજનલ ફલ્ડ સેલના અહેવાલ મુજબ હાલની વર્તમાન પરિસ્થિતિ મુજબ મચ્છુ-૧ ડેમ ૧૦૦% ભરાઈ ચૂક્યો છે. ડેમમાં હાલ ૬૦,૧૯૯ ક્યુસેક પાણીની આવક ચાલુ છે. સામે ડેમ ૪.૨ ફૂટ ઓવરફ્લો થઈ રહ્યો છે અને ૬૦,૧૯૯ ક્યુસેક પાણી આઉટફલો થઈ રહ્યો છે. મચ્છુ-૨ ડેમ ૧૦૦% ભરાઈ ચૂક્યો છે. ડેમમાં ૧,૮૯,૯૬૨ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે સામે ૧૬ ગેટ ૧૫ ફૂટ અને ૬ ગેટ ૭ ફૂટ જેટલા ખોલી ૧,૮૯,૯૬૨ પાણી છોડવામાં આવી રહ્યું છે. મચ્છુ-૩ ડેમ ૮૪.૮૨ ટકા ભરાયેલો છે. ડેમમાં ૨,૯૦,૯૫૨ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, સામે ૧૮ ગેટ ૧૮ ફૂટ જેટલા ખોલીને ૨,૯૦,૯૫૨ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ડેમી-૧ ડેમ ૧૦૦% ભરાઈ ચૂક્યો છે. ડેમમાં ૨૦,૫૪૭ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, ડેમમાં ૨.૫૯ મીટર ઓવરફ્લો થઈને ૨૦,૫૪૭ ક્યુસેક પાણી આઉટફ્લો થઈ રહ્યો છે. ડેમી-૨ ડેમ ૧૦૦% ભરાઈ ચૂક્યો છે. ડેમમાં ૨૪,૮૨૮ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, સામે ડેમના ૪ ગેટ ૬ ફૂટ તથા ૨ ગેટ ૭ ફૂટ ખોલીને ૨૪,૮૨૮ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમી-૩ ડેમ ૧૦૦% ટકા ભરાઈ ચૂક્યો છે. ડેમમાં ૫૨,૦૦૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, સામે ૯ ગેટ ૯ ફૂટ જેટલા ખોલી ૪૭,૫૭૪ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બ્રાહ્મણી-૧ ડેમ ૯૦.૮૭ ટકા ભરાયો છે. બ્રાહ્મણી-૨ ડેમ ૫૭.૩૩% ભરાયો છે. ડેમમાં ૩૪૬૬ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, ડેમનું લેવલ જાળવવા માટે ૪ ગેટ ૧ ફૂટ ખોલીને ૩૯૬૬ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઘોડાધ્રોઇ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ચૂક્યો છે. ડેમમાં હાલ ૩૦૫૨.૭૮ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, સામે ૨ ગેટ ૦.૩૦ મીટર ખોલીને ૩૦૫૨.૮ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બંગાવડી ડેમ ૧૦૦ ટકા ભરાઈ ચૂક્યો છે. ડેમમાં હાલ ૨૮૨૫ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, ડેમ ૦.૫૦ મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે, જેથી ૨૮૨૫ ક્યુસેક પાણી આઉટફ્લો થઈ રહ્યો છે.
જિલ્લાના લગભગ તમામ ડેમ છલકાઈ ગયા છે, નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, ત્યારે જિલ્લા વાસીઓને આ પરિસ્થિતિમાં ડેમ સાઈટ કે નદી-નાળા નજીક ન જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ઉપરાંત નીચાણવાળા વિસ્તારો પણ ખાલી કરાવવામાં આવ્યા છે.