વાંકાનેરના દલડીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા મહિલાની સફળ પ્રસુતિ કરાઈ

મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદના અન્વયે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે ત્યારે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા પણ વિવિધ ટીમ તૈનાત રાખવામાં આવી છે.

હાલ જિલ્લામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિમાં સીનીયર સીટીઝન, બાળકો તેમજ સગર્ભા મહિલાઓની ખાસ કાળજી રાખવાની જરૂરિયાત રહે છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આવા લોકો માટે ખાસ સર્વે કરી વિગતો મંગાવવામાં આવી હતી અને ખાસ કરીને સગર્ભા મહિલાઓની સંભાળ માટે સંબંધિત આરોગ્ય કેન્દ્રોને સુચના આપવામાં આવી હતી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા સગર્ભા મહિલાઓની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે, અને જે મહિલાઓની નજીકના દિવસોમાં પ્રસુતિ થવાની સંભાવના હોય તેવી સગર્ભા મહિલાઓની વિશેષ સાર-સંભાળ રાખવામાં આવી રહી છે. ત્યારે વાંકાનેર તાલુકાના દલડી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા મહિલાની સફળ પ્રસુતિ કરવામાં આવી છે. વાંકાનેર કાશીપર ગામ થી વહેલી સવારે ૫:૦૦ વાગ્યે રીક્ષા મારફતે સગર્ભા મહિલાને ડીલીવરી માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી ખાતે લઈ આવ્યા હતા.

જેમની સફળ ડીલીવરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી ની ટીમ ડો. શાહીના અંશારી, એફ. એચ. ડબલ્યું. વંદના સોલંકી, નિધિ નદાસિયા, સી.એચ.ઓ. રાજ મકવાણા તથા ટીમ દ્વારા સવારે ૦૮:૦૦ ના કરાવવામાં આવી. હતી હાલ માતા અને બાળક તંદુરસ્ત છે તેમજ બાળકને જન્મ સમયનું તમામ રસીકરણ પણ કરી આપવામાં આવ્યું છે.