અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ દરેક પરિસ્થિતિમાં સરકાર તમારી સાથે છે તેવું મંત્રીએ આશ્વાસન આપ્યું માળીયા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત
દરમિયાન મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ટ્રેક્ટરમાં બેસીને માળીયાના હરીપર ગામની મુલાકાત લીધી હતી.
મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે તેમજ વાંકાનેર અને ઉપરવાસના કારણે મચ્છુ નદી ના પાણી માળીયા તાલુકાના કેટલાક ગામોમાં ફરી વળ્યા હતા જેના પગલે માળીયા તાલુકાના કેટલાક ગામોમાં રસ્તાઓ પર પાણી ચડતા ગામ સંપર્ક વિહોણા બનતા વાહન વ્યવહાર બંધ થયો છે. માળીયા તાલુકાના લગભગ ૭ જેટલા ગામના રસ્તાઓ પર પાણી ચડી આવ્યું હતું. ત્યારે મંત્રી માળિયાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન ટ્રેકટરમાં બેસીને હરીપર ગામની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન મંત્રીએ હરીપર ગામની પરિસ્થિતિનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ અને હાલ ગામની પરિસ્થિતિ સહિતની બાબતો જાણી હતી. મંત્રીશ્રીએ ગ્રામજનો સાથે વાતચીત કરી કોઈપણ પરિસ્થિતિમાં સરકાર તેમની સાથે છે તેવું આશ્વાસન આપ્યું હતું.
ફરજ પરના અધિકારીઓને મંત્રીએ અસરગ્રસ્ત ગામડાઓમાં ગ્રામજનોને રહેવા જમવા સહિતની કોઈ અગવડ ન પડે તે બાબતે ખાસ તકેદારી રાખી યોગ્ય કામગીરી કરવા જણાવ્યું હતું.
આ મુલાકાત દરમિયાન મંત્રી સાથે મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ સ્થાનિક અગ્રણીઓ અને ગામના લોકો જોડાયા હતા.