મોરબી જિલ્લાના ૩૪૬ ગામોમાં વહીવટી તંત્રની ૨૯ ટીમ દ્વારા ખેડૂતોને થયેલ નુકસાનીનો તાગ મેળવવા કવાયત હાથ ધરાઈ

ભારે વરસાદના પગલે મોરબીમાં ખેતીમાં થયેલ નુકસાન માટે તાત્કાલિક ધોરણે કરાઈ રહી છે સર્વેની કામગીરી

      મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના પગલે ખેડૂતોના ઉભા પાક ધોવાઈ ગયા છે, ખેતી ક્ષેત્રે પહેલી નજરે જોતા વ્યાપક નુકસાન થવા પામ્યું છે.ત્યારે ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન માટે ૨૯ ટીમની રચના કરી સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.

      મોરબી જિલ્લામાં શરૂઆતમાં પડેલા સારા વરસાદ અને પગલે સમગ્ર જિલ્લામાં ખરીફ પાકોનું સારું એવું વાવેતર કરવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા જ ખેડૂતોના ખેતરોમાં લીલા મોલ લહેરાઈ રહ્યા હતા. રેડ એલર્ટને પગલે મોરબી જિલ્લામાં પડેલા અતિભારે વરસાદથી આ પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરોમાં ઉભેલો મોલ વરસાદી પાણી અને નદીના વહેણથી ધોવાઈ ગયો છે. ત્યારે મોરબી જિલ્લામાં કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ૨૯ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમમાં ગ્રામસેવક, આત્માના એટીએમ તથા બીટીએમ, બાગાયત મદદનીશ તેમજ સંબંધિત ગામના તલાટી મંત્રી અને સરપંચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ પર દેખરેખ રાખવા માટે સહ નોડલ તરીકે સંબંધિત તાલુકાના વિસ્તરણ અધિકારી (ખેતી)ને ફરજ સોંપવામાં આવી છે.

      આ વિવિધ ટીમ દ્વારા ભારે વરસાદના પગલે ખેતી અને બાગાયતી પાકોમાં થયેલ નુકસાની માટે જિલ્લાના ૨૪૬ ગામોમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે મોરબીમાં માળિયા તાલુકાના ૪૪ ગામો માટે ૫ ટીમ, હળવદ તાલુકાના ૬૭ ગામો માટે ૬ ટીમ, મોરબી તાલુકાના ૯૨ ગામ માટે ૬ ટીમ, ટંકારા તાલુકાના ૪૨ ગામ માટે ૫ ટીમ તેમજ વાંકાનેરના ૧૦૧ ગામ માટે ૭ ટીમ મળી જિલ્લાના ૩૪૬ ગામ માટે કુલ ૨૯ ટીમોની રચના કરવામાં આવી છે.