હળવદ : “ભાર વગરનું ભણતર”- જૂના અમરાપર આચાર્ય નો નવતર પ્રયોગ

હળવદ – શાળામાં આવતા વિદ્યાર્થીઓને દફતર નો ભાર ખૂબ જ વધારે ઉપાડવાનો થતો હોય છે તેમજ દિવસેને દિવસે તેમાં પાઠ્યપુસ્તક, સ્વાધ્યાયપોથી, પ્રોજેક્ટ વર્કબુક, ચિત્રકલા, નોટબુક,રફનોટ વગેરે વધતા જતા હોય છે. આ ઉપરાંત સ્લેટ પેન, સ્કેચપેન, સંચો,રબર,નાસ્તો,પાણીની બોટલ તેમજ પોતાને ગમતી વસ્તુ કે બનાવેલી વસ્તુઓ આ બધું મળીને વિદ્યાર્થીના દફતર નું વજન ચાર થી પાંચ કિલો જેટલું થઈ જતું હોય છે. હાલમાં મોટાભાગના પાઠ્યપુસ્તકો વાર્ષિક અભ્યાસક્રમ પ્રમાણે છે. જેમાં વિદ્યાર્થીએ જૂન માસમાં ભણી ગયેલ એકમને એપ્રિલ સુધી વજન ઉપાડીને લાવવું પડે છે તેમજ એપ્રિલમાં ભણવાનો એકમ જૂનથી વજન ઉપાડીને લાવવો પડે છે. દફતરના વધારે વજન ના લીધે વિદ્યાર્થીને વર્ષમાં બે વખત દફતરની જરૂર પડતી હોય છે. વિદ્યાર્થી બેવડ વળીને દફતર ઉપાડીને ચાલતો જોવા મળે છે.

આ તમામ સમસ્યાનું સમાધાન શાળાના આચાર્ય વાઘેલા અમરશીભાઈ દ્વારા “ભાર વગરનું ભણતર” નવતર પ્રયોગ દ્વારા કરવામાં આવ્યો. તેમણે હાલ ધોરણ ચોથામાં ભણતા વિદ્યાર્થીઓ પર પોતાના દફતરનો ભાર ઓછો કરવા તેમણે માસ પ્રમાણે શૈક્ષણિક અભ્યાસક્રમ આયોજન મુજબ નો પાઠ્યપુસ્તક, સ્વાધ્યાયપોથી તેમજ મહાવરા માટેની પેજ મૂકી ને કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીને જે માસમાં જે તે એકમ ભણવાનો હોય તે મુજબનું તમામ સાહિત્ય વણી લઈને પાઠ્યપુસ્તક બનાવવામાં આવ્યું છે. જેનો વજન ફક્ત 500 ગ્રામ જેટલો થવા જાય છે. પ્રાથમિક શાળાના બાળકો પણ હવે કોલેજ જતા વિદ્યાર્થીઓને જેમ ફક્ત એક પુસ્તક લઈને શાળાએ આવે છે. દફતરનો વજન ઘટી જતા વિદ્યાર્થીઓ શાળાએ હળવા ફૂલ થઈને આવે છે.

ઉલ્લેખનીય છે કે વાઘેલા અમરશીભાઈ દ્વારા અગાઉ પણ તેમણે આજનો દિપક /જ્યોતિ, આજનું ગુલાબ, સેલ્ફી કોર્નર, એક બાળ,એક ઝાડ જેવા ઇનોવેશન કરેલ છે.