મોરબી જિલ્લા કક્ષાનાં  “સ્વચ્છતા હી સેવા” અભિયાનનો આરંભ જેતપર ખાતેથી કરાયો

જિલ્લા પંચાયતના પ્રમુખ, મોરબી-માળીયા ધારાસભ્ય તેમજ ડીડીઓ સહિતના મહાનુભાવો સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી બન્યા

મોરબી જિલ્લાને રૂડું અને રળિયામણું બનાવવાના હેતુથી જિલ્લામાં યોજાનાર સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી તાલુકાના જેતપર ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાએ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

૨ જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી ઉપરાંત સ્વચ્છતા મિશન ને ૧૦ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા અભિયાનનું સમગ્ર દેશ અને રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મોરબી જિલ્લાને પણ સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે મોરબીમાં જેતપુર ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરી સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો તથા સર્વે ઉપસ્થિતોએ સ્વચ્છતા માટેના સપથ લીધા હતા તથા સફાઈમિત્રોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, નાયબ વન સંરક્ષશ્રી  ચિરાગ અમીન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ તેમજ તાલુકા પંચાયતના સભ્યઓ સહિતના મહાનુભાવોએ જેતપરના જાહેર માર્ગ પર સફાઈ કરી આ સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી બન્યા હતા. આ અભિયાનમાં જેતપર ગામના ગ્રામજનો પણ જોડાયા હતા.