“સરકાર અમને દીકરાની જેમ સાચવે છે જેથી અમે સરકારશ્રીના આભારી છીએ” -નિરાધાર વૃદ્ધ અમૃતલાલ વ્યાસ
સરકારના સેવા સેતુ અભિગમ થકી અનેક જન કલ્યાણકારી યોજનાઓ અને લોકહિતની સેવાઓ ગુજરાતના ઘર ઘર સુધી પહોંચી છે. અનેક જરૂરિયાતમંદ લોકો જે જિલ્લા કે તાલુકા મથક સુધી આવી શકવા સક્ષમ નથી તેમના માટે સેવા સેતુ જાણે કે આશીર્વાદ જ બનીને આવે છે. ત્યારે મોરબી તાલુકાના જેતપુર ગામે વરિષ્ઠ નાગરિકશ્રી અમૃતલાલ મોહનભાઈ વ્યાસે ગદગદિત થઈ સરકારનો આભાર માન્યો હતો.
અમૃતલાલ વ્યાસ જણાવે છે કે, અમને સરકાર દ્વારા મફત રાશન આપવામાં આવે છે જેથી પૂરતું ભોજન મળી રહે છે. ઉપરાંત મારું અને મારા ધર્મ પત્નીનું વૃદ્ધ પેન્શન યોજના માંથી પેન્શન પણ નિયમિતપણે આવે છે જેથી અમારું ગુજરાન સરળતાથી ચાલી રહે છે. પરિવારમાં હું અને મારા પત્ની અમે બંને જ છીએ ત્યારે સરકાર અમને દીકરાની જેમ સાચવે છે જેથી અમે સરકારશ્રીના આભારી છીએ.
અનેક છેવાડના લાભાર્થીઓ કે જે સરકારની યોજનાઓ થકી સરળતાથી તેમનું જીવન વ્યતીત કરી રહ્યા છે. સેવા સેતુ થકી ૫૫ જેટલી સેવાઓ લોકોના આંગણે પહોંચી છે. જેથી અનેક લોકોના સપનાઓ સાકાર થયા છે, કોઈને આવાસ યોજના હેઠળ ઘરનું ઘર મળ્યું છે, તો કોઈ નિરાધાર વૃદ્ધ પેન્શન થકી આર્થિક પગભર બન્યા છે, સુરક્ષા વીમા યોજનાઓ થકી જીવન સુરક્ષિત બન્યું છે, તો કુંવરબાઈનુ મામેરુ સહાય યોજના જેવી યોજનાથી વાલુડીના વિવાહની પરિવારની ચિંતા ઓછી થઈ છે, ગંગાસરુપા મહિલાઓને ઘર આંગણે સહાય મળતી થઈ છે, તો ઘરેલુ નવા વીજ જોડાણથી કેટલાય ઘરોમાં અજવાળા પથરાયા છે આવી અનેક યોજનાઓનો લાભ લોકો સેવા સેતુ ના કારણે ઘર આંગણે મેળવી રહ્યા છે.