ટંકારા : લજાઈ ખાતે ૩૩૮ લોકોએ વહીવટી તંત્રના વિવિધ વિભાગની ૫૫ જેટલી સેવાઓનો લાભ મેળવ્યો

વહીવટી તંત્ર દ્વારા અરજદારો ની ૧૦૫૭ અરજીઓનો હકારાત્મક નિકાલ કર્યો

જિલ્લા વ્યાપી સેવા સેતુ કાર્યક્રમના અનુસંધાને ટંકારા તાલુકામાં લજાઈ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ૧૯ ગામના ૩૩૮ લોકોએ સરકારના વિવિધ વિભાગની ૫૫ જેટલી સેવાઓનો લાભ મેળવ્યો હતો.

ગત ૧૭ સપ્ટેમ્બરના રોજ મોરબી જિલ્લામાં તમામ તાલુકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ટંકારાના લજાઈ ખાતે પણ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વહીવટી તંત્રના વિવિધ વિભાગ દ્વારા ૧૩ જેટલા સ્ટોલ અરજદારોની સેવા માટે રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ક્લસ્ટર હેઠળના ૧૯ ગામના ૧૦૫૭ જેટલા ગ્રામજનો દ્વારા વિવિધ સેવાઓ માટે અરજીઓ કરવામાં આવી હતી. આ તમામ ૧૦૫૭ અરજીઓનો વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓ દ્વારા તાત્કાલિક હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

ટંકારા તાલુકામાં આગામી ૦૩ ઓક્ટોબરના રોજ જબલપુર ગામે પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ક્લસ્ટર હેઠળના ૧૧ ગામોને વિવિધ સેવાઓનો લાભ આપવામાં આવશે.