હળવદ નગરપાલિકાના સેવા સેતુમાં વહીવટી તંત્ર દ્વારા અરજદારોની ૧૦૮૫ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો

હળવદ ખાતે ખાતે બહોળી સંખ્યામાં લોકોએ વહીવટી તંત્રના વિવિધ વિભાગની ૫૫ જેટલી સેવાઓનો લાભ મેળવ્યો

મોરબીમાં જિલ્લા વ્યાપી સેવા સેતુ કાર્યક્રમના અનુસંધાને હળવદ ખાતે હળવદ નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકા વિસ્તારમાં આવેલી વિવિધ વોર્ડના નાગરિકોએ સરકારના વિવિધ વિભાગની ૫૫ જેટલી સેવાઓનો લાભ મેળવ્યો હતો.

ગત ૨૧ સપ્ટેમ્બર ના રોજ મોરબી જિલ્લામાં વાંકાનેર તથા હળવદ નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હળવદ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં વહીવટી તંત્રના વિવિધ વિભાગ દ્વારા ૧૩ જેટલા સ્ટોલ અરજદારોની સેવા માટે રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં હળવદ શહેરી વિસ્તારના નાગરિકો દ્વારા વિવિધ સેવાઓ માટે અરજીઓ કરવામાં આવી હતી. આ તમામ ૧૦૮૫ અરજીઓનો વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અધિકારી/કર્મચારીઓ દ્વારા તાત્કાલિક હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ સેવા સેતુ કાર્યક્રમમાં સાંસદ ચંદુભાઈ સિહોરા તથા નગરપાલિકાના ચીફ ઓફિસર તુષાર ઝાલરીયા સહિત પદાધિકારીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.