મોરબી જિલ્લાના જાણીતા પ્રવાસન સ્થળો

ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીનુ અને શ્રીમદ રાજચન્દ્રજીનુ જન્મ સ્થળ વવાણીયાની પણ અનેક પ્રવાસીઓ લે છે મુલાકાત

દેશ અને દુનિયામાં સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ અને બરફના ગોલાથી સુપ્રસિધ્ધ મોરબી જિલ્લામાં આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ ટંકારા આવેલ છે. જયા વૈદિક ધર્મનું અભ્યાસ કેન્દ્ર ચાલે છે. મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ રાજચન્દ્રજીનુ જન્મ સ્થળ વવાણીયા મોરબી જિલ્લાના આવેલ છે, તેની પણ અનેક પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે.

મોરબીના મહારાજા લખધીરસિંહે ૧૯૪૬માં બંધાવેલુ પિતૃ તર્પણ માટે જાણીતુ રફાળેશ્વર મંદિર,  દરબારગઢ મણી મહેલ, શ્રી ખોડિયાર માતાનું મંદિર માટેલ, રતનપરમાં આવેલ શ્રી રામચરિત માનસ મંદિર વગેરેના દર્શન કરવા શ્રધ્ધાળુઓ અવિરત આવતા રહે છે, વાંકાનેર નજીકના તીથવા ગામના ડુંગર ઉપર આવેલ સ્વયંભૂ જડેશ્વર મંદિર, તત્કાલીન રાજવીઓનો વાંકાનેર પેલેસ, મોરબીમાં બેલા નજીક ખોખરા હનુમાનજી મંદિર, નવલખી બંદર વગેરે પણ જાણીતા પ્રવાસન સ્થળો છે. મોરબીમાં રફાળેશ્વર ખાતે ભરાતો લોકમેળો સુપ્રસિધ્ધ છે.

રામપરા વાઈલ્ડ લાઈફ અભ્યારણ્ય- રાજકોટથી માત્ર ૫૦ કિમીના અંતરે આવેલું આ સ્થળ સૌથી મજેદાર છે. જાણે કે તમે ગીરના જંગલમાં ફરતા હોય તેવો અહેસાસ થાય. એટલું જ નહિં, અહીં તમને ગીરના સાવજો પણ આરામથી વિહરતા જોવા મળે. સિંહની સાથે દીપડા, હરણ, ચિતલ સહિતના જંગલી પ્રાણીઓ પણ જંગલમાં વિહરતા હોય છે. ૧૩૦ જાતના પક્ષીઓ પણ અહીં  નિવાસ કરે છે. રામપરા અભ્યારણ્યમાં અત્યારે ૧૧ સિંહ છે. આમ તો આ સિંહનું બ્રીડીંગ સેન્ટર છે. વાંકાનેર શહેરથી નજીક આવેલા રામપરાના જંગલમાં જવા માટે વાંકાનેરના જંગલ ખાતાની મંજૂરી લેવી પડે છે. અત્યારે ચોમાસામાં હરિયાળી સોળે કળાએ ખીલી છે  પ્રકૃતિ પ્રેમીઓ માટે આ જગ્યા અનેરૂં આકર્ષણ ધરાવે છે. અભ્યારણ્ય સવારે ૭ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

મોરબી પાસેનું પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિર પણ જોવા જેવું છે. રાજકોટથી ૫૬ કિમીના અંતરે અને વાંકાનેરથી ૧૦ કી.મી.ના અંતરે આવેલા લીલાછમ ડુંગરાઓની હારમાળા પૈકી રતન ટેકરી ઉપર સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. સદીઓ પુરાણા આ મંદિરનો ઈતીહાસ જામનગરના રાજા જામ સાહેબ જોડાયેલો છે. સાથો સાથ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગોવાળનો ગૌ માતાનો દુધાભિષેક સહીતના અનેક પ્રસંગો આ મંદિરના ઈતિહાસમાં સચવાયેલા છે. ડુંગરા ઉપર સ્વયંભૂ રીતે પ્રગટયા એટલે જડયા એટલે મહાદેવનું નામ સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ રખાયું હોવાનું તેમજ શ્રાવણ માસના બીજા સોમવારે પ્રાગટય થયેલ હોઈ શ્રાવણ માસના બીજા સોમવારે દાદાનો પ્રાગટયદિન ઉજવાય છે. ધાર્મિક કાર્યક્રમો સાથે લોકમેળો યોજાય છે. શ્રાવણ માસના દરેક  રવિ – સોમવારે અહી મેળો ભરાય છે. ત્યારે ભક્તો દર્શનની સાથે મેળાની મજા માણે છે. રાજકોટથી જડેશ્વર જવા માટે વાંકાનેર સુધી બસ મળે છે. મોરબીથી પણ નજીક થાય છે. અહી રહેવાની પણ વ્યવસ્થા છે. જડેશ્વરની સાથે વાંકાનેરમાં ગાયત્રી મંદિર પણ જોવા જેવું છે. શ્રાવણ માસના બીજા રવી અને સોમવારે યોજાતા લોકમેળામાં ભાવીકોને જવા તથા આવવા માટે વાંકાનેર એસ.ટી. ડેપો દ્વારા જુદા જુદા રૃટ પરથી બસો પણ મુકવામાં આવે છે.

વાંકાનેરના રાજાનો ઐતિહાસિક રણજીત વિલાસ પેલેસ પણ જોવા જેવો છે. જ્યાં તાજેતરમાં રિલીઝ થયેલી “ગ્રેટ ગ્રાન્ડ મસ્તી” સહિતની હિન્દી ફિલ્મના શુટિંગ થયા છે. આ પેલેસ ઈ.સ.૨૯૦૭ માં વાંકાનેરના રાજા અમરસિંહે બંધાવેલો છે. મહેલ રરપ એકરમાં પથરાયેલો છે. સ્થાપત્ય અને કલાની દ્રષ્ટિએ આ મહેલ બેનમૂન છે. આ મહેલ વાંકાનેરમાં એક ટેકરી ઉપર છે. મહેલ ઉપર વોચ ટાવર છે. મહેલનો ઘુમ્મટ મુગલ શૈલીનો, બારીઓ વિકટોરિયન પ્રકારની અને આગળનો ફુવારો ઈટાલિયન સ્ટાઈલનો છે. દિવાનખંડ ભવ્ય છે. વિશાળ કમાનો અને ઝરૂખાઓ છે. અહીંના પ્રદર્શનમાં રાજવીઓની ઘણી પ્રાચીન ચીજો દર્શાવાઈ છે. તેમાં તલવાર, ભાલા, ઢાલ, બખ્તરો ઉપરાંત મસાલા ભરીને સાચવેલાં પ્રાણીઓના શરીરો તથા રાજાના તૈલચિત્રો છે.