અરજદારોની આધાર કાર્ડ, રેશન કાર્ડ સહિતની તમામ અરજીઓનો પોઝીટીવ એપ્રોચ સાથે સ્થળ પર જનનિકાલ કરાયો
મોરબી જિલ્લામાં ગત ૨૭ સપ્ટેમ્બરના રોજ માળીયા ખાતે માળીયા નગરપાલિકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. જ્યાં માળીયા નગરપાલિકા વિસ્તારના ૮૬૫ લોકોએ સેવા સેતુનો લાભ લીધો હતો.
સેવા સેતુ થકી વહીવટી તંત્રની જરૂરી સેવાઓ લોકોના ઘર સુધી પહોંચે અને વધુને વધુ સેવાઓનો લોકો બહોળા પ્રમાણમાં લાભ લે તે ઉદ્દેશ્ય સાથે સરકારશ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં માળીયા નગરપાલિકા કક્ષાએ યોજાયેલા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ સેવા સેતુ હેઠળ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.
વહીવટી તંત્રના જિલ્લા તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં વહીવટી તંત્રના વિવિધ વિભાગના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જ્યાં અરજદારો દ્વારા રાશન કાર્ડ ઈકેવાયસીની સેવા માટે ૨૪૮, હેલ્થ વેલનેસ કાર્ડની સેવા માટે ૨૩૯, આધારકાર્ડ સુધારાની સેવા માટે ૯૭, આધાર નોંધણીની સેવા માટે ૮૬, રાશન કાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા તથા રાશનકાર્ડમાં સુધારા વધારા કરવાની સેવા માટે ૬૪, આઈસીડીએસ અંતર્ગત નાના બાળકોના આધાર કાર્ડની સેવા માટે ૧૫, આવકના દાખલા માટે ૧૦ તથા સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ૬ અરજીઓ મળી કુલ ૮૬૫ અરજીઓ કરવામાં આવી હતી. આ અરજીઓ ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા ઝડપી સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે તમામ અરજીઓનો ત્વરિત હકારાત્મક નિકાલ કરાયો હતો.