મોરબી જિલ્લામાં હાલ ૧૨ એમ્બ્યુલન્સ (૧૦૮) અને ૮ ખિલખિલાટ વાન કાર્યરત
ગુજરાત સરકાર દ્વારા મોરબી જિલ્લામાં ત્રણ નવી એમ્બ્યુલન્સ(૧૦૮) ફાળવવામાં આવી છે. જે એમ્બ્યુલન્સ મોરબી જિલ્લામાં આવી પહોંચતા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તથા જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓએ વધામણા કરી આ એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય સવલતને વધુ મજબૂત અને સુલભ બનાવવા માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર સંવેદનશીલ બની ગુજરાતના દરેક વ્યક્તિનું સારું આરોગ્ય જળવાઈ રહે અને જરૂર પડે આકસ્મિક સમયમાં આરોગ્ય સેવા સુલભ બની રહે તે માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આકસ્મિક સમયમાં આશીર્વાદ રૂપ બનતી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા વધુ સુદ્રઢ્ય અને સુલભ બને તે માટે રાજ્યમાં ૧૦૮ ની સંખ્યા વધારવાનું બીડું સરકારે ઝડપ્યું છે. હાલ ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય સુવિધામાં વધારો કરવા માટે આવડતા પૂરી થયેલ હોય કે વધારે ચાલે હોય તેવી એમ્બ્યુલન્સની જગ્યાએ ૧૦૦ નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લાને પણ ૩ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સની જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
૧૦૮ આકસ્મિક મેડીકલ સેવા એ અત્યારના સમયમા કોઈ પણ નાગરીક માટે અજાણ્યું નામ નથી અને કોઈ પણ મેડીકલ ઈમરજન્સીનાના સમયે લોકોને પહેલા ૧૦૮ એમ્બ્યુલન્સ જ યાદ આવે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં મોરબી જિલ્લામા કુલ ૧૨ એમ્બ્યુલન્સ (108) અને ૮ ખિલખિલાટ વાન કાર્યરત છે અને લોકોની આરોગ્યલક્ષી સુવિધા માટે હંમેશા ઊપલબ્ધ છે.