મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાશે વિવિધ કાર્યક્રમ ; જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ઉદ્યોગ સાહસિકતા, સુપોષણ અને આરોગ્ય, સુશાસન, યુવા અને મહિલા સશક્તિકરણ પ્રાકૃતિક ખેતી સહિતના મુદ્દાઓને મહત્વ આપી વિકાસ સપ્તાહ ઉજવાશે

મોરબીમાં વિકાસ સપ્તાહની ઉજવણીના આયોજન અંતર્ગત જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર રાજ્યમાં ગુજરાતની વિકાસ ગાથા અવિરત શરૂ રાખી જન કલ્યાણકારી પગલા અને સર્વાંગી વિકાસના અભિગમ સાથે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસ સપ્તાહ સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી કે.બી. ઝવેરીએ બેઠક યોજી સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિએ પણ જરૂરી સૂચનો કર્યા હતા.

નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચરે બેઠકનું સંચાલન સંભાળી સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની છણાવટ કરી હતી. ઉપરાંત વિવિધ વિભાગને કરવાની થતી કામગીરી અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી.

મોરબી જિલ્લામાં ઉદ્યોગ સાહસિકતા સુપોષણ અને આરોગ્ય સુશાસન યુવા અને મહિલા સશક્તિકરણ પ્રાકૃતિક ખેતી સહિતના મુદ્દાઓને મહત્વ આપી જિલ્લામાં વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં ઉદ્યોગ સાહસિકો માટે માર્ગદર્શન સેમિનાર, કુપોષિત બાળકો માટે તપાસ અને સારવાર કેમ્પ, સુશાસન સંબંધિત અધિકારી કર્મચારીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ, પ્રાકૃતિક ખેતી સંબંધિત પરિસંવાદ ઉપરાંત વિકાસ પ્રદર્શન આઇકોનિક સ્થળોનું સુશોભન અને શણગાર વોલ પેઇન્ટિંગ સહિત અને સાંસ્કૃતિક કાર્યક્રમઓ સહિતના આયોજનો કરવામાં આવનાર છે.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.ડી. કુગસિયા, નાયબ કલેક્ટર સુબોધકુમાર દુદખીયા, જિલ્લા આયોજન અધિકારી વી.બી. માંડલિયા, પ્રાંત અધિકારીઓ, ચીફ ઓફીસરઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.