વાંકાનેર : રાતીદેવરી- પંચાસર ગામમાં વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

રોડના નવીનીકરણની કામગીરી ચાલુ હોવાથી વાહનોની અવર- જવર માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે

વાંકાનેર શહેર વિસ્તારમાં આવેલ રાતીદેવરી- પંચાસર ગામને જોડતો મચ્છુ નદી ઉપર આવેલ ઓવરબ્રિજ પુલ નીચે બેસી જતાં હાલ આ ઓવરબ્રિજ ઉપરથી વાહનવ્યવહાર બંધ કરવામાં આવેલ છે. તેમજ ચંદ્રપુર માર્ગ, જીનપરા ચોક, સીટી સ્ટેશન રોડ, ધર્મચોક આ તમામ વિસ્તારોમાં હાલમાં નવરાત્રિના તહેવારને લીધે વાહનોની સતત અવર જવર રહેતી હોય છે.

તેથી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા મોરબી- વાંકાનેરથી રાજકોટ તરફ જતાં વાહનો માટે મોરબી શહેરના મુખ્ય માર્ગ પર આગામી તારીખ ૧૨/૧૦/૨૦૨૪ સુધી રાત્રિના ૦૮:૦૦ કલાકથી સવારના ૦૬:૦૦ કલાક સુધી વૈકલ્પિક માર્ગ તરફ આવવા જવા માટે વૈકલ્પિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર રાજકોટ શહેર તથા ટંકારા મીતાણા, જામનગર તરફથી આવતા ભારે વાહનો અમરસર ફાટક- સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ- બસ સ્ટેન્ડ રોડ- દીવાનપરા રોડ- અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ- સરકારી હોસ્પિટલ રોડ- રાતીદેવરી ગામ- વાંકીયા ગામ- નેશનલ હાઈવે તરફ અવર જવર કરી શકાશે.

તેમજ મોરબી તરફથી આવતા ભારે વાહનો નેશનલ હાઇવે- વાંકીયા ગામ- રાતીદેવરી- સરકારી હોસ્પિટલ રોડ- અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ- દીવાનપરા રોડ- બસ સ્ટેન્ડ રોડ- સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ- રાજકોટ રોડ તરફ તથા અમરસર ગામ- મીતાણા- ટંકારા- જામનગર તરફ અવર જવર કરી શકાશે.

રાજકોટ શહેર- ટંકારા મીતાણા- જામનગર તરફથી આવતા ભારે વાહનો અમરસર ફાટકથી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ- બસ સ્ટેન્ડ રોડ- દીવાનપરા રોડ- અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ- સરકારી હોસ્પિટલ રોડ- રાતીદેવરી ગામ- જડેશ્વર રોડ- મોરબી તરફ અવર જવર કરી શકાશે. ઉપરાંત ટંકારા- લજઈથી આવતા વાહનો જડેશ્વર રોડ- મોરબી તરફ આવી જઈ શકશે.

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, નગરપાલિકાના વાહનો, પી.જી.વી.સી.એલ.ના વાહનો, શબવાહિની, એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, સ્કૂલ અને કોલેજના વાહનો, સામાજિક કે ધાર્મિક કાર્ય સાથે સંકળાયેલા વાહનો, આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તો તેવા વાહનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે. ઉક્ત હુકમનો ભંગ કરનારી વ્યક્તિ શિક્ષાને પાત્ર બનશે.