ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, કલેક્ટર કે.બી. ઝવેરીની ઉપસ્થિતિમાં નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ મોરબી સ્થાયી થયેલા ૧૪ વ્યક્તિઓને ભારતીય નાગરિકતા અધિનિયમ-૧૯૫૫ અને નિયમો-૨૦૦૯ અંતર્ગત ભારતના નાગરિક તરીકેના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાનના અનેક પરિવારો વખતો વખત વિવિધ કારણોસર પાકિસ્તાનથી હિજરત કરી ભારતના વિવિધ પ્રાંતમાં સ્થાયી થયેલા છે, એમાંનું એક મોરબી પણ છે, જ્યાં અનેક સ્થળાંતરીતો આશ્રય લઈ રહ્યા છે. મોરબીમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈને આવેલા અનેક પરિવારો દૂધમાં સાકારની જેમ ભળી ગયા છે. જિલ્લા કલેક્ટર તેમજ વહીવટી તંત્ર દ્વારા આ પરિવારોને નાગરિકતા મળી જાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા જીતુભાઈ સોમાણી, કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક ક્લેક્ટર એસ.જે. ખાચર સહિત મહાનુભાવોના હસ્તે ૧૪ વ્યક્તિઓને ભારતના નાગરિક તરીકેના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
સ્થળાંતરિત વ્યક્તિઓની નાગરિકતાની અરજીઓ ઝડપથી મંજૂર થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. આવી નાગરિકતાની અરજીઓની પૂરતી ચકાસણી કરી યોગ્ય પ્રક્રિયા હાથ ધરી નાગરિકતા આપવામાં આવી રહી છે. ખૂબ ઝડપી કામગીરી કરીને સ્થળાંતરિત થયેલી વ્યક્તિઓને નાગરિકતા આપવામાં આવી રહી છે. ત્યારે જે ૧૪ લોકો ભારતના કાયમી નાગરિકો બની ગયા છે તેમના ચહેરા પર ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી.
ભારતની નાગરિકતા મળતા લાગણીશીલ બની સ્થળાંતરિતોએ આપ્યા પ્રતિભાવ
પાકિસ્તાનીના મીઠીથી સ્થળાંતરિત થઈ મોરબી આવેલા શોભરાજસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, ૨૦૧૩ માં અમે પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ મોરબીના નાની વાવડી ખાતે સ્થાયી થયા છીએ. અમને સરળતાથી નાગરિકતા મળી ગઈ છે તે માટે અમે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રીશ્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વર્તમાન સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.
વિનીતાબેન લાગણીસભર થઈ જણાવે છે કે, હું ૨૦૧૦માં પાકિસ્તાનના કરાચી સ્થળાંતરિત થઈ ભારતમાં દેશમાં આવી છું. આજે મને ભારતની નાગરિકતા મળી ગઈ છે જેની બહુ જ ખુશી છે. નાગરિકતા આપવા માટે ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્રાઉડ ટુ બી ઇન્ડિયન – હું ભારતીય બનવાનો ગર્વ અનુભવું છું.
સેવાભાઈ મંગલભાઈ અહોભાવથી જણાવે છે કે, અમે વર્ષ ૨૦૧૪માં પાકિસ્તાનથી ભારતમાં આવ્યા છીએ. આશ્રિત તરીકે અમારી ખૂબ સારી સંભાળ રાખવા તથા સરળતાથી નાગરિકતા આપવા બદલ હું વર્તમાન સરકાર તથા મોરબી જિલ્લા કલેક્ટરકે.બી. ઝવેરી સહિત સમગ્ર વહીવટી તંત્રનો આભાર વ્યકત કરું છું.