૩૧ ઓક્ટોબર સુધીમાં શિષ્યવૃતિની કામગીરી પૂર્ણ કરવાની શાળાઓને તાકીદ
ઈ-કેવાયસીની બેઠકમાં ગેરહાજર ૧૮ શાળાના આચાર્યોએ સોમવારે ગેરહાજર રહેવાના કારણ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ હાજર રહેવાની સૂચના
સમગ્ર મોરબી જિલ્લામાં ઈ – કેવાયસી અને શિષ્યવૃતિની કામગીરી હાલમાં ચાલુ છે, એ બાબતે શાળાઓને પણ યોગ્ય કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. આ કામગીરી અન્વયે એક બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં હાજર ન રહેનાર શાળાઓનાં આચાર્યોને નોટિસ આપવામાં આવી છે અને આગામી ૩૧ ઓક્ટોબર સુધીમાં શિષ્યવૃત્તિની કામગીરી પૂર્ણ કરવા પણ તાકિદ કરવામાં આવી છે.
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની સૂચના અનુસંધાને ઈ-કેવાયસી અને શિષ્યવૃતિની બાબતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મોરબીની રાજ વિદ્યાલય, નેસ્ટ કે-૧૨ એજ્યુકેશન, સત્ય સાંઈ વિદ્યામંદિર, મધુવન માધ્યમિક વિદ્યાલય, ઓમ શાંતિ સ્કૂલ, અજંતા વિદ્યાલય, નલીની માધ્યમિક સ્કૂલ, સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય, સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ, નચિકેતા વિદ્યાલય, ક્રિષ્ના માધ્યમિક સ્કૂલ, તપોવન વિદ્યાલય, શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ગુરુકુળ, વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, શ્રી વિવેકાનંદ વિદ્યાલય – આમરણ, સેન્ટ મેરી પ્રાઈમરી સ્કૂલ, તક્ષશિલા વિદ્યાલય અને તપોવન વિદ્યા નિકેતન સહિતની ૧૮ શાળાઓના આચાર્ય ગેરહાજર રહેતા તેમને નોટિસ આપવામાં આવી છે અને ગેરહાજર રહેવાનું કારણ અને અન્ય માહિતી સાથે સોમવારે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે હાજર રહેવા મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીની યાદીમાં જણાવ્યું છે.