“રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત મોરબીમાં જિલ્લાકક્ષાની “રન ફોર યુનિટી” યોજાઈ

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરી સહિતના મહાનુભાવોએ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
           આપણા લોખંડી પુરુષ અને મહાન સ્વાતંત્ર્ય સેનાની એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મ જયંતિ આગામી તારીખ ૩૧ ઓક્ટોબરના રોજ દેશભરમાં ઉજવવામાં આવશે. આ દિવસ એટલે કે “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે ”એક ભારત શ્રેષ્ઠ ભારત” ના સૂત્રને સાર્થક કરતી “RUN FOR UNITY” દોડનું સમગ્ર દેશમાં આયોજન કરવામાં આવે છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દર વર્ષે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.
             મોરબી શહેરમાં જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન અનુસાર નવા બસ સ્ટેન્ડ ખાતે સરદાર પટેલની પ્રતિમા આગળ જિલ્લા કક્ષાની રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી આ દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું.
      આ દોડ સરદાર પટેલ સ્ટેચ્યુ- નવા બસ સ્ટેન્ડ રોડથી ઉમિયા સર્કલ સુધી પહોંચી હતી. જેમાં વિવિધ વિભાગના સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, એન.સી.સી.કેડેટસ, જિલ્લા પોલીસ દળના કર્મયોગીઓ, જિલ્લા હોમગાર્ડ દળના જવાનો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકોએ ”RUN FOR UNITY” દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
           આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટર  એસ.જે.ખાચર, પ્રાંત અધિકારી  ડોબરિયા તથા શ્રી દુદકીયા તથા સુનિલ પરમાર, લોક અગ્રણી જયંતીભાઈ ભાડેશીયા અને અરવિંદભાઈ વાંસદડિયા સહિતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ શ્રી સરદાર પટેલજીની પ્રતિમાને વંદન સાથે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત ઉપસ્થિત સર્વેએ ભારતની એકતા અને અખંડિતતા જાળવી રાખવાના શપથ ગ્રહણ કર્યા હતા. સમગ્ર યાત્રાનો માર્ગ ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ સાથે ગુંજી ઉઠયો હતો.