વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશનું આરોગ્ય માળખું સબળ બન્યું છે – રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા
AIMS ની અદ્યતન સવલતોનો મોરબી જિલ્લા વાસીઓને લાભ મળે તે માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ – કલેક્ટર કે.બી. ઝવેરી
જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિ
મોરબી જિલ્લામાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે AIMS – રાજકોટ દ્વારા નિઃશુલ્ક મેગા આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનું આરોગ્ય માળખું સબળ બન્યું છે. તેમના પ્રોત્સાહનથી આપણે કોરોના જેવી મહામારી સામે લડી શક્યા અને દેશમાં કોરોનાની રસીનું પણ નિર્માણ થઈ શક્યું છે. દેશમાં ૨૧ AIMS નું નિર્માણ થઈ ચૂક્યું છે. આજે AIMS દ્વારા જે મેડિકલ કેમ્પ યોજાઈ રહ્યો છે તે પ્રકારના મેડિકલ કેમ્પનું આગામી સમયમાં મોરબીના તમામ તાલુકાઓમાં અને અન્ય જિલ્લાઓમાં પણ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
કલેકટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, દેશમાં વર્ષો સુધી એક જ AIMS હતી. છેલ્લા વર્ષોમાં દેશમાં AIMS ની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. મોરબી જિલ્લાના છેવાડાના લોકોને પણ AIMS નો લાભ મળે તેવું સાંસદશ્રી કેસરીદેવસિંહજીનું સપનું આજે સાકાર થયું છે. AIMS ની અદ્યતન સવલતોનો મોરબી જિલ્લાવાસીઓને લાભ મળે તે માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે.
લોકોની આરોગ્ય સુખાકારી માટે વાંકાનેર ખાતે આરોગ્ય સુખાકારીની વિવિધ અદ્યતન સવલતો સાથે AIMS – ALL INDIA INSTITUTE OF MEDICAL SCIENCE – રાજકોટ દ્વારા મોરબી જિલ્લામાં પ્રથમ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મેડિસીન, હાડકા, ફેફસા, કાન-નાક-ગળા, કેન્સર, આંખ, બાળરોગ, સ્ત્રીરોગ, સર્જરી, ચામડી, એનેસ્થેસિયા, દાંત, લેબોરેટરી અને એકસ રે તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પંચાયત જાહેર આરોગ્ય સમિતિના ચેરમન સરોજબેન ડાંગરોચા, AIMS – રાજકોટના ડેપ્યુટી ડિરેક્ટર ડો. કુલદીપ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.બી. મહેતા, વાંકાનેર પ્રાંત અધિકારી સાકરીયા, મામલદાર કે.વી. સાનિયા સહિત વહિવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ, સ્થાનિક પદાધિકારીઓ અને અગ્રણીઓ, AIMS-રાજકોટના ડોક્ટર્સ અને ટીમ તથા વાંકાનેર નગરવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .