મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ‘કર્તવ્ય નંદી ઘર’ ના નિર્માણના લાભાર્થે આજે ભવ્ય લોકડાયરાનું આયોજન

 દેશવિદેશમાં ખ્યાતી પ્રાપ્ત કલાકાર કિર્તીદાન ગઢવીરાજભા ગઢવીમીલન પટેલ સહીતના કલાકારો પોતાની કલા દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરશે.

કર્તવ્ય જીવદયા કેન્દ્ર‘ માં નિઃસ્વાર્થ ભાવે થતી અબોલ જીવોની સેવાદાન આપવા માટે જીવદયાપ્રેમી દાતાશ્રીઓને અપીલ

મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીમાં રસ્તે રખડતા, નિરાધાર નંદીઓ માટે 21 કરોડના ખર્ચે એક ભવ્ય નંદી ઘર બનાવવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી તેના ભાગરૂપે  વિશાળ નંદી ઘર માટે જમીન લેવાના ખર્ચ માટે ભંડોળ ઉભુ કરવાના હેતુથી આજે એક ભવ્ય લોકડાયરાનું આયોજન રામેશ્વર ફાર્મ, ન્યુ એરા સ્કુલની બાજુમાં, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશવિદેશમાં ખ્યાતી પ્રાપ્ત કલાકાર કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, મીલન પટેલ સહીતના કલાકારો પોતાની કલા દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરશે. જીવદયાપ્રેમી મિત્રોને ડાયરામાં પધારવા માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર-મોરબી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સાથમાં જ કર્તવ્ય સેન્ટરની હોસ્પીટલ (ઓપરેશન થિયેટર) નું પણ તારીખ 22-12-2024, રવિવારના રોજ શુભ શરૂઆત કરવામાં આવશે.

અત્રે ઉલેખનીય છે કે, મોરબીના રવાપર—ઘુનડા રોડ  6 વર્ષ પહેલા 50 જીવદયા પ્રેમી યુવાનો દ્વારા મોરબીમાં ઘૂનડા રોડ ઉપર ફકત પક્ષીઓ માટે એક પીંજરું બનાવવાના શુભ વિચાર થી કર્તવ્ય જીવદયા કેન્દ્ર બનાવવાનો વિચાર કર્યો હતો. મોરબીના જીવદયા પ્રેમીઓનો આર્થિક અને શારીરિક સહકારથી આજે કર્તવ્ય જીવદયા કેન્દ્ર ના 6 વર્ષ પૂર્ણ થયા છે.

છેલ્લા 6 વર્ષ માં કરેલ જીવદયા પ્રવૃતિઓ ની વાત કરીએ તો, અંદાજિત 50,000 થી વધુ ઘાયલ પશુ પક્ષીઓની સારવાર,  અંદાજિત 2000 થી વધુ સર્પ ની બચાવ કામગીરી, મોરબી તથા આસપાસ ના ગામડાઓ માં 24x7x365 દિવસ એનિમલ હેલ્પલાઇન કાર્યરત, પાલતુ પ્રાણીઓ માટે રાહત ભાવ થી કર્તવ્ય પેટ ક્લિનિક, ગાય, શ્વાન અને પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા, ચકલીના માળા વિનામૂલ્યે વિતરણ, કૂવા તથા અન્ય જગ્યા એ ફસાયેલા પ્રાણીઓની 100 થી વધુ સફળ રેસ્ક્યુની કામગીરી, ઉત્તરાયણનાં પર્વ નિમિતે પક્ષી બચાવો અભિયાન થકી 1000 થી વધુ ઘાયલ પક્ષીઓ ની તાત્કાલિક સારવાર, ચોમાસામાં દરમ્યાન વિવિધ પ્રકારના 25 હજારથી વધુ રોપાઓનું વિનામૂલ્યે વિતરણ સહિતની અનેક સેવાકીય પ્રવૃતિઓ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે.

કર્તવ્ય જીવદયા કેન્દ્ર સંસ્થામાં 1 મુખ્ય વેટનરી ડોકટર તથા અન્ય 4 ડોકટરો સહિત 20 જીવદયા પ્રેમી કાર્યકતાઓ ફરજ ઉપર કાર્યરત છે. કર્તવ્ય જીવદયા કેન્દ્રની રોજિંદા પ્રવૃતિઓ માટે 2 કેરટેકર છે અને સર્પ ની બચાવ કામગીરી માટે એક્સપર્ટ સ્નેક રેસ્કિયુર પણ છે.

કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં આશરે 500 થી વધુ અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા, કુતરા- 80, કબૂતર- 200, સસલા- 150, બકરા-15, બીલાડીઓ વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે.  સંસ્થાનો અંદાજે માસિક ખર્ચ 5 લાખ રૂપીયા જેવો થાય છે. સંસ્થાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નિયમીત આવકનું સાધન નથી, સંસ્થા સંપૂર્ણપણે દાતાઓના શ્રીદાન પર નિર્ભર છે. પ્રવર્તમાન મોંઘવારીના સ્થિતિના હિસાબે, ગૌ સેવા–જીવદયા પ્રવૃતિઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે. કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં અનુદાન આપવા માટે ‘કર્તવ્ય જીવદયા કેન્દ્ર’ ના વિશુભાઈ પટેલ (મો.નં. 75748 85747) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબીના રવાપર—ઘુનડા રોડ  ખાતે આવેલ  ‘કર્તવ્ય જીવદયા કેન્દ્ર’, અંગેની વિશેષ માહિતી વિશુભાઈ પટેલ (મો.નં. 75748 85747)  પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.