યોગ નિર્દશન, ઉકાળા વિતરણ, આયુર્વેદિક દવા વિતરણ, હોમીયોપેથી કેમ્પ, ઔષધિ પ્રદર્શન સહિતે લોકોમાં આકર્ષણ જગાવ્યું
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-રાજ્ય સરકાર, નિયામકશ્રી, આયુષની કચેરી-ગાંધીનગર અને જિલ્લા પંચાયત-મોરબીના માર્ગદર્શન અનુસાર આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળો ઉમા હૉલ, રવાપર રોડ, મોરબી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેઘી અને અન્ય મહેમનોના હસ્તે આયુષ મેળાનું ઉદ્ઘાટન કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમોનો ઉદ્દેશ્ય એ છે કે મહતમ નાગરિકો સુધી આયુર્વેદની મહિમા પહોંચે. આજકાલ લાઇફસ્ટાઇલ રિલેટેડ રોગો ખૂબ વધી ગયા છે. ત્યારે આયુર્વેદ અને હોમીયોપેથી એ શ્રેષ્ઠ સારવાર પદ્ધતિ સાબિત થઈ છે, જેની કોઈ આડઅસર નથી. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સૂત્ર યોગ ભગાવે રોગ જેને પગલે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આરોગ્યની સુખાકારી માટે વિશ્વ ધ્યાન દિવસ અને વિશ્વ યોગ દિવસની તમામ રાષ્ટ્રોમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લા પંચાયતના આંગણે પણ આયુર્વેદિક ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કે આયુર્વેદ અને હોમીયોપેથી પદ્ધતિ ઘરે ઘરે પહોંચે તે માટે મોરબી જિલ્લાના નાગરિકોનો સહિયારો પ્રયાસ જરૂરી છે. જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર આપણા નાગરિકોના સ્વાસ્થ્યની જાળવણી માટે સતત પ્રયત્નશીલ છે. આપણું રસોડું એ જ આપણું દવાખાનું બની શકે એમ છે. તેમાં અનેક ઔષધિ જેવું હળદળ, અજમો, ગરમ મસાલા ઉપલબ્ધ હોઈ છે.
કાર્યક્રમની શરૂઆત શાબ્દિક સ્વાગત અને દીપ પ્રાગટ્ય થકી કરાઇ હતી. મંચસ્થ મહેમોનોને આમળા આપીને તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની રૂપરેખા અને કાર્યક્રમના અંતે આભારવિધિ જિલ્લા આયુર્વેદ અધિકારી વેદ્ય ડો.પ્રવીણ વડાવીયાએ કરી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં યોગ નિર્દશન પણ કરવામાં આવ્યું હતું.
આ આયુષ મેળામાં તમામ રોગો માટે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ, હોમીયોપથીક નિદાન સારવાર કેમ્પ, વિવિધ આરોગ્યવર્ધક વાનગીઓના માહિતીલક્ષી પોસ્ટર તથા જીવંત પ્રદર્શન, દિનચર્ચા, ઋતુચર્યા, વિરુદ્ધ આહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓની સમજણ આપતું પ્રદર્શન, હોમિયોપેથી સારવાર પદ્ધતિની માહિતી અને પ્રદર્શન, ૦ થી ૧૦ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ બાળકો માટે સુવર્ણ પ્રાશન, હરસ, મસા, ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદ સારવાર કેમ્પ, સાંધાના દુઃખાવાના દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સા, પંચકર્મ સારવાર, સ્વાસ્થ્યવર્ધક હર્બલ ડ્રિન્કનું વિતરણ, ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ આપતા ડ્રાય ઉકાળા, સંશીમની વટી, આર્સેનિક આલ્બમનું વિતરણ- આમ વિવિધ પ્રકારની પ્રવૃતિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉક્ત સમારોહમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી હીરાભાઈ ટમારીયા, જિલ્લા પંચાયતના જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી સરોજબેન ડાંગરીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભટ્ટ, તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, રવાપર ગ્રામ સરપંચ, તાલુકા કક્ષાના સરકારી આયુર્વેદ અને હોમીયોપેથી દવાખાનાના સ્ટાફમિત્રો, જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર રુપલબેન શાહ, સરકારી આયુર્વેદ હોસ્પિટલના સ્ટાફગણ, સરકારી આયુર્વેદ હોસ્પિટલના વિદ્યાર્થીમિત્રો, જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના સ્ટાફગણ, દર્દીઓ, લાભાર્થીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.