રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે ધોરણ 8 નાં વિદ્યાર્થીઓ માટે NMMS (નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ) ની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.જેમાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીને બારમાં ધોરણ સુધી દર મહિને એક હજાર રૂપિયા શિષ્યવૃતિ મળે છે.
ચાલું વર્ષે મોરબી જિલ્લાનાં ટંકારા તાલુકાની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી તથા બી.આર.સી.ભવન ટંકારા દ્વારા NMMS ની પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ઘેર બેઠા તૈયારી કરી શકે તેમજ પ્રશ્નો બાબતે ઉદ્દભવતા ડાઉટ સોલ્વ કરી શકે તે માટે AI ટેકનોલોજીની મદદથી 50 ઓનલાઈન ક્વિઝનો કોર્ષ તૈયાર કરવામાં આવેલ છે.આ ક્વિઝની ખાસિયત એ છે કે બાળકો ફક્ત પ્રશ્નોના જવાબ જ નથી આપતા પણ દરેક પ્રશ્નને AI ટેકનોલોજીની મદદથી ખૂબજ સરળ રીતે ઓડિયો,ઇમેજ અને ટેક્સ્ટ સ્વરૂપે સમજાવવામાં આવે છે.પ્રત્યેક ક્વિઝ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીને સ્કોરશીટ અને સર્ટિફિકેટ પણ મળે છે.મોરબી સાથે ગુજરાત ભરના હજારો બાળકો આ ઓનલાઈન અભિયાનમાં જોડાઈને NMMS પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.
આ તમામ ક્વિઝનું સંકલન અને નિર્માણ ટંકારા તાલુકાની શ્રી હિરાપર પ્રાથમિક શાળાનાં આચાર્ય બેચરભાઈ ગોધાણી દ્વારા કરવામાં આવ્યું છે.જેઓ મોરબી જિલ્લાનાં ICT SRG તરીકે કાર્ય સંભાળી રહ્યા છે.ટંકારાનાં ટીપીઈઓશ્રી જીવણભાઈ જારીયા અને બીઆરસી કલ્પેશભાઈ ફેફર આ અભિયાનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.