મોરબી : પતંગના દોરાની ગૂંચ શોધી લાવો અને ઇનામ મેળવોની અનોખી સ્પર્ધા યોજાઈ

મોરબીના નાની વાવડી કુમાર શાળાના બાળકો દ્વારા પક્ષીઓને બચાવવાની અનોખી પહેલ, શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ રેકોર્ડ બ્રેક 65 કિલોગ્રામ દોરાની ગૂંચ ભેગી કરી.

મોરબી તાલુકાના નાનીવાવડી ગામની કુમાર પ્રાથમિક શાળા દ્વારા એક અનોખી પહેલ કરી ઉતરાયણ બાદ દોરાની ગૂંચમાં ફસાઈ જતા નિર્દોષ પક્ષીઓને બચાવવા માટે દોરાની ગૂંચ એકત્રિત કરવાની સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીનાં બાળકો જોડાયા હતા.

શાળાના બાળકો દ્વારા 65 કિલોગ્રામથી વધુ દોરાની ગૂંચ એકત્રીત કરવામાં આવી હતી. ધોરણ મુજબ સૌથી વધુ ગૂંચ લાવનાર બાળકો વરમોરા જેનિલ, ગોહિલ પાવન,બરાસરા નક્ષ, વાઘેલા કાર્તિક, પિત્રોડા મયુર, અંબાલીયા હિરેન,જેસર રુદ્ર,દેત્રોજા ઉમંગ, નાગલા મીતને શાળા પરીવાર દ્વારા શૈક્ષણિક કીટઆપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રવૃતિનું આયોજન શાળાના આચાર્યશ્રી લલિતભાઈ ઘેટીયાના માર્ગદર્શન અને તમામ શિક્ષક-ભાઈ બહેનોના સાથ સહકાર થકી કરવામાં આવ્યું હતું. પક્ષી બચાવવા માટે શાળાના ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ અને ઈનોવેટીવ શિક્ષક કાંજીયા અશોકકુમાર મહાદેવભાઈ દ્વારા “પક્ષી બચાવો અભિયાન” હેઠળ આવી અવનવી પ્રવૃતિઓ છેલ્લા 10 વર્ષથી ચલાવવામાં આવે છે. આમ શિક્ષણની સાથે-સાથે વિવિધમૂલ્યલક્ષી પ્રવૃતિઓ દ્વારા બાળકોમાં પશુ-પક્ષીઓ પ્રત્યે સહાનુભૂતિ જાગે છે અને પરોપકારની ભાવના ઉત્પન્ન થાય છે.