મોરબી જિલ્લાના 34 ગામોમાં લાઇબ્રેરીની શરૂઆત કરાઈ

મોરબી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ (IAS)ની દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના ધોરણ 12 અને તેનાથી ઉપર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ ખાતાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી વિદ્યાર્થીઓ પોતાના જ ગામમાં કરી શકે અને સરકારના વિવિધ ખાતાઓમાં અધિકારી અને કર્મચારી તરીકેની સિદ્ધિ હાંસલ કરે એવા શુભ આશયથી 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે મોરબી જિલ્લાના 34 ગામોમાં, જે તે પોતાના ગામના દાતાઓ દ્વારા યોગદાનનું આહવાન કરી સ્પર્ધાત્મક પરીક્ષાના આશરે 140 જેવા પુસ્તકો ની લાઇબ્રેરી ની શરૂઆત કરવામાં આવી.

જેમાં મોરબી તાલુકાના ૧૨ ગામો, ટંકારા તાલુકાના ૦૬ ગામો ( ટંકારા – પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની હાજરી માં વિરપર ખાતે ) વાંકાનેર તાલુકાના ૧૦ ગામો, માળિયા તાલુકાનું ૦૧ ગામ અને હળવદ તાલુકાના ૦૫ ગામોનો સમાવેશ થાય છે. આગામી સમયમાં મોરબી જિલ્લાના તમામ ગામોમાં આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે એ જ ગામના દાતાઓ દ્વારા યોગદાન આપી શરૂ કરાવવા જે. એસ.પ્રજાપતિ સાહેબનો શુભ આશય છે.