બંધારણમાં આપેલ અધિકારોની સાથે આપણે આપણી ફરજો બાબતે પણ સભાન બની તેનું પાલન કરીએ – મોરબી કલેક્ટર કે.બી. ઝવેરી
રાજાશાહી વખતના સમૃદ્ધ અને સંપન્ન રજવાડા વાંકાનેરની વાત કરી કલેક્ટશ્રી આપણા વારસાનું જતન કરવા સૌને અપીલ કરી



આકાશે ગૌરવશાળી તિરંગો લહેરાયો; પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલતા કલેક્ટર
મોરબીના વાંકાનેરમાં આવેલ અમરસિંહજી હાઈસ્કુલ ખાતે ૭૬ માં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની અનેરા ઉત્સાહ સાથેની ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો તથા પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
“આઝાદ ભારતના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની ખૂબ શુભેચ્છાઓ”નુ સંબોધન કરતા જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, “આજના પાવન દિવસે જ્યારે ભારતને સાર્વભૌમત્વ પ્રાપ્ત થયું હતું અને ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું તે દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. ત્યારે આજના રાષ્ટ્રીય મહાપર્વ નિમિત્તે સરહદ પર તેના વીર જવાનો તથા શહીદોને સત સત નમન કરું છું.”
“આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવનાર લડવૈયાઓ મહાત્મા ગાંધી, અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલ વીર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ ખુદીરામ બોઝ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, મેડમ ભિખાઈજી કામા અને શિક્ષણ વેદ ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીને યાદ કરી આજના દિવસે તેમને વંદન કરું છું. તો બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર સહિતના બંધારણના નિષ્ણાંત અને વિદ્વાને ઘડવૈયાઓને પણ આજે હું યાદ કરું છું.”
બંધારણની વાત કરતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, “આપણા બંધારણમાં દરેક નાગરિકને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. ત્યારે બંધારણમાં અધિકારોની સાથે વિશેષ ફરજો પણ આપવામાં આવ્યું છે ત્યારે આપણે સૌ બંધારણની ફરજો વિશે સભાન બની ટ્રાફિક ના નિયમોનું પાલન કરીએ સ્વચ્છતા જાળવવી કોઈપણ વસ્તુ ખરીદતી વખતે બિલ લઈને વસ્તુ ખરીદીએ ભરવા પાત્ર તમામ ટેક્સ ભરીએ સહિતની ફરજોનું જરૂરથી પાલન કરીએ”.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “ભારત પાસે મહાન સંસ્કૃતિ ધરોહર અને વિરાસત વારસામાં મળી છે ત્યારે હવે આપણા સૌની ફરજ બને છે કે આપણે આ વારસાને જાળવી તેનું જતન કરીએ. વધુમાં તેમણે રાજાશાહી વખતે વાંકાનેર રજવાડું કેટલું સમૃદ્ધ અને સંપન્ન હતું તેની વાત કરી તે સમયે નાગરિકો માટે લેવામાં આવેલા મહત્વના પગલાંઓની પણ છણાવટ કરી હતી”.
આ ઉજવણીમાં બી.આર. જાડેજાના નેતૃત્વમાં પુરૂષ પોલીસ પ્લાટુન, એન.બી. સરવૈયાના નેતૃત્વમાં પુરૂષ પોલીસ પ્લાટુન, એન. ડી. ડાંગરના નેતૃત્વમાં મહિલા પોલીસ પ્લાટુન, ડી.જી. પંડ્યાના નેતૃત્વમાં હોમ ગાર્ડ પ્લાટુનના પોલીસના જવાનોએ પરેડ યોજી ત્રિરંગાને સલામી આપી માર્ચ પાસ્ટ કર્યું હતું. પોલીસ જવાન ભરતભાઈ વાંક દ્વારા ડોગ શો રજૂ કરવામાં આવ્યો હતો.
ગુજરાત ગૌરવ ગરબા, એક તેરા નામ, યોગા પર્ફોર્મન્સ, મેરે ભારત કી બેટી, લેરી લાલા, પિરામિડ અને ઝાંસી કી રાની સહિતના દેશ પ્રેમ અને ગુજરાતની ગરિમાને પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત સૌને દેશ ભક્તિથી તરબોળ કર્યા હતા. ઉપરાંત આ તકે રાષ્ટ્રીય/રાજ્ય કક્ષાએ અનેક ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ અને મહાનુભાવો, જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સર્વે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કૌશિક સોની દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, વાંકાનેર કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, અગ્રણીઓ, જિલ્લાના પદાધિકારી/અધિકારીઓ, પોલીસના જવાનો, જિલ્લા તેમજ વાંકાનેરના નાગરિકો તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
