દેશ જેની સુરક્ષા હેઠળ સુરક્ષિત છે એ ભારતના શહીદ વીરોના સ્મારક સુરક્ષિત ન હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબી જિલ્લાના ટંકારા તાલુકા પંચાયત નજીક સરકારી જમીન અમૃત મહોત્સવ કાર્યક્રમમાં જ્યા રાષ્ટ્રના શહીદ થયેલા નરબંકાઓની યાદને કાયમ જીવંત રાખવા શહીદ વન નિર્માણ કરાર્યું હતું.
આ સ્થળ પર વૃક્ષારોપણ અને શહિદ સ્મારક સ્તંભ બનાવેલ તે સરકારી જમીન પર પગપેસારો કરી ભૂમાફિયાઓ દ્વારા હાલ કોમર્શિયલ, રહેણાંક સોસાયટીનુ નિર્માણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યુ છે. ત્યારે રાષ્ટ્રીય યુવા ભીમ સેનાની રાષ્ટ્રીય અધ્યક્ષ ડી.ડી.સોલંકીએ આ મામલે મેદાનમાં આવી ભુમાફિયાઓ વિરૂદ્ધ રાષ્ટ્રદોહનો ગુન્હો દાખલ કરવા મોરબી જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે. ડી.ડી.સોલંકી જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર આયોજિત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ હેઠળ શહીદોની સ્મૃતિ સાથે કળશ યાત્રા વખતે ટંકારાના તત્કાલીન સરપંચ ઉપરાંત, અનેક આગેવાનો, દેશના સીમાડાની સુરક્ષા કરતા જવાન સૈનિકોની ઉપસ્થિતિમાં શહિદ સ્મારક સ્તંભ ઉભો કરવામાં આવ્યો હતો. શહીદોની યાદ લોક હૃદયમાં જીવંત રાખવા વૃક્ષારોપણ કરાયુ હતું. એ વૃક્ષોનું નિકંદન નિકળી ગયુ હોય અને શહીદ સ્મારક સ્તંભ હાલ દોઢ વર્ષ પછી કોઈ અસ્તિત્વ ન હોય કોઈએ ઉખેડી ફેંકી દીધુ હોય તે ગંભીર બાબત હોય જો રાષ્ટ્ર માટે બલિદાન આપનારા દેશના શહીદ વિર નરબંકાઓ પણ સલામત ન હોવાનો મુદ્દો ઉઠાવી શહીદોનું સ્મારક અને વૃક્ષો નું નિકંદન કાઢનારાઓ ભુમાફિયાઓ સામે રાષ્ટ્રદ્રોહનો ગુન્હો નોંધવા માંગણી કરી છે.



