પોલીસ ઉપર હુમલા બાદ પોલીસ એક્શનમાં: માળિયાના ખીરઈ ગામે બુટલેગરનું મકાન તોડી પડાયું

મોરબી જિલ્લાના માળિયા (મિં) તાલુકાના ખીરઈ ગામે થોડા દિવસો અગાઉ માળિયા (મિં) પોલીસ રેડ કરવા ગઈ હતી. ત્યારે મહિલાઓ સહિતનાએ પોલીસ પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. હુમલામાં 6 જેટલા પોલીસ જવાનો ઈજા પહોંચતા સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ પર હુમલા બાદ પોલીસે મુખ્ય આરોપી ઇકબાલ ઇર્ફે ઇકો હાજીભાઈ મોવર સહિત નવ આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે ફરી પોલીસ એક્શન મોડમાં આવી છે. અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુટલેગરના મકાનને ડિમોલેશન કરવામાં આવ્યું છે. મળતી વિગતો મુજબ બુટલેગર ઇકબાલ ઉર્ફે ઇકો મોવરનું મકાન ગેરકાયદેસર હોવાથી આજે રેવન્યું વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મકાનને જેસીબી મારફતે તોડી પાડવામાં આવ્યું છે. મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ આ અગાઉ ગુનાખોરોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ત્યારે આજે ફરીવાર ગુનાખોરો વિરૂધ્ધ પોલીસનું આકરું વલણ જોવા મળ્યું હતું.