ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “વિરાસત ભી, વિકાસ ભી”નો કાર્યમંત્ર આપીને વિકાસ સાથે આપણી વિરાસતને જીવંત રાખવા માટેની પ્રેરણા આપી છે. ગુજરાતની વિરાસતને જીવંત રાખવા ગુજરાત સરકારે અનેકવિધ મહત્વૂર્ણ નિર્ણયો કર્યા છે.
આ સંદર્ભે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૭૫ વર્ષ કે તેનાથી વધુ વર્ષની કોલેજોના મૂળભૂત હેરીટેજ સ્ટ્રક્ચરને જાળવી રાખવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.




જે અનુસાર વર્ષ ૧૮૮૧માં બનેલી મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ તેમજ વર્ષ ૧૯૪૮માં બનેલી અમદાવાદની એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ જેવી પુરાતત્વ મહત્વ ધરાવતી આ બે કોલેજોના હેરિટેજ રિસ્ટોરેશન માટે રાજ્ય સરકારે રૂ. ૧૦ કરોડની જોગવાઈ કરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ બંને કોલેજોના હેરિટેજ રીસ્ટોરેશનની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવશે. સાથે જ, રાજ્યમાં ૭૫ વર્ષથી જૂની અને પુરાતત્વ મહત્વ ધરાવતી અન્ય સંસ્થાઓને પણ આગામી આયોજનમાં સામેલ કરીને તેનું હેરિટેજ મહત્વ જળવાઈ રહે, તે સુનિશ્ચિત કરવામાં આવશે, તેવી મંત્રીએ ખાતરી આપી હતી
