મોરબી તાલુકાના બેલા ગામ નજીક સ્પા સંચાલક મહિલા ઉપર છ શખ્શોએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે છ શખ્શો વિરુદ્ધ જાનથી મારી નાખવાની તથા માર મારવાનો પ્રયાસ થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં સુગંધાનગરના વતની હાલ મોરબીના બેલા ગામ નજીક મોરબી-જેતપર રોડ ઉપર આવેલ નેક્ષા મસાજ પાર્લરમાં રહેતા આઇસાબેન અનીસભાઇ ખાનએ તાલુકા પોલીસ મથકમાં આરોપી મેહુલભાઇ ઠાકરશીભાઇ માકાસણા, મેહુલભાઇ જયેશભાઇ આચાર્ય (રહે. બંન્ને બેલા) તથા અજાણ્યા આરોપી 4 ઇસમો એમ કુલ છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.20ના રોજ આરોપી મેહુલભાઇ માકાસણાએ ફરીયાદીની નેક્ષા મસાજ પાર્લરની ઓફીસમાં એકદમ આવી દરવાજો ભટકાડતા જે બાબતે ફરીયાદી આઈસાબેને એમ નહિ કરવાનું કહેતા આરોપી મેહુલ માકાસણાને સારું નહીં લાગતા જે બાબતનો ખાર રાખી આઈસાબેનને લાફા મારી દીધા હતા, જ્યારે આરોપી મેહુલભાઇ આચાર્ય તથા ચાર અજાણ્યા માણસોએ આઈસાબેનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી, જે બાદ આરોપી મેહુલ માકાસણાએ લાકડી વડે આઈસાબેનને મારવાની કોશિશ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ આરોપીઓએ એકબીજાની ગુનો કરવામાં મદદગારી કરી હોવાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.



