માળીયા મિયાણા પંથકમાં અવાર નવાર કોલસો, ડીઝલ અને ગેસ ચોરીના બનાવ સામે આવે છે ત્યારે માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે જસાપર ગામ નજીક ટેન્કરમાંથી ડીઝલ ચોરવાની પેરવી કરતા ચાર શખ્સોને રૂ.30 લાખના ટેન્કર સહિત રૂ.44.76 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
માળીયા મિયાણા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે જશાપર ગામની ખરાવાડ વિસ્તારમાં દરોડો પાડી ટેન્કરમાંથી ડીઝલ ચોરવાની પેરવી કરી રહેલા મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ જામનગર નજીક જાખરના પાટીયે રહેતા આરોપી ટેન્કર ચાલક પ્રવેશસિંગ કાલીદાસસિંગ રાજપૂત (રહે. જાખરનું પાટીયું, ચામુંડા હોટલ પાછળ પડાણા, મુળ રહે.રાયા ઉતરપ્રદેશ), ટેન્કર ક્લીનર અમિતસિંગ ગોવિંદસિંગ રાજપૂત (રહે.પડાણા, મુળ રહે.રમોલી ઉત્તરપ્રદેશ) ડીઝલ ચોરી કરનાર ધીરુભાઇ લક્ષ્મણભાઇ કાનગડ (રહે.જશાપર) અને ડીઝલ ચોરવામાં મદદ કરનાર આરોપી વસરામ રવજીભાઈ ખડોલા (રહે.મોટી બરાર)ને રંગે હાથ ઝડપી લીધા હતા. વધુમાં માળીયા મિયાણા પોલીસે ઘટના સ્થળેથી GJ12-BV-7662 નંબરનું ટેન્કર કિંમત રૂપિયા 30 લાખ, 29 હજાર લીટર ડીઝલ કિંમત રૂપિયા 14,74,423 તેમજ ડીઝલ ચોરવાના સાધનો, ખાલી બેરલ સહિત કુલ રૂપિયા 44,76,623ની કિંમતનો મુદામાલ કબ્જે કરી બીએનએસ કાયદાની કલમો મુજબ ચારેય આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.




