મોરબી ક્રાઈમબ્રાન્ચે પીપળી નજીક વિદેશી દારૂનું કટિંગ થાય તે પૂર્વે જ દરોડો પાડીને ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. હાલ રૂપિયા 3,45,600 લાખનો વિદેશી દારૂ તેમજ ટ્રક અને ઇનોવા સહિત 39,05,404નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં મનીષ કાંટા પાસે શિવ કોમ્પ્લેક્સ પાછળ વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની બાતમીને પગલે ક્રાઇમબ્રાન્ચે દરોડો પાડતા સ્થળ ઉપરથી માટી ભરેલા ટ્રક નં.RJ36-GB3434 મા છુપાવવામાં આવેલ વિદેશી દારૂની 3456 બોટલ (કિંમત રૂ.3,45,600) મળી આવી હતી. આ ઉપરાંત બનાવ સ્થળે GJ-06-KH-2435 નંબરની ઇનોવામા પણ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપીઓ હાજર નહિ મળી આવતા ટ્રક ચાલક, તેમજ દારૂનો જથ્થો મોકલનાર વિરુદ્ધ ગુન્હો નોંધવાની સાથે વિદેશી દારૂનો આ જથ્થો મંગાવનાર મોરબીના મહેન્દ્રનગર જીઈબી પાછળ રહેતા આરોપી ઉદયભાઈ જોરુભાઈ કરપડાએ મંગાવ્યો હોવાનું ખુલતા ત્રણેય ઈસમો તેમજ તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવી કુલ રૂ.39,05,404નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.



