માળિયા તાલુકાની નાની બરાર તાલુકા શાળામાં વિદાય સમારોહ યોજાયો

મોરબી: આજરોજ નાનીબરાર તાલુકા શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓ અને બી.એડ. ઇન્ટર્નશીપ કરવા આવેલ નાનીબરાર ગામની બે દીકરીઓના વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા તાલીમાર્થી બહેનો બકુત્રા નમસ્વીબેન અને મકવાણા ઉર્વીશાબેનનો ઇન્ટર્નશીપ માટે નાની બરાર તાલુકા શાળાની પસંદગી કરવા બદલ અને સતત ત્રણ મહિના સુધી શાળાના બાળકોને લાગણીપૂર્વક અને ઉત્સાહભેર અધ્યયન કાર્ય કરાવવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને સાથે જ મોમેન્ટો અને સુંદર ભેટ આપી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

શાળા પરિવાર તરફથી ધોરણ 8 ના દરેક વિદ્યાર્થીઓને શાળાની યાદગીરી રૂપે 20 ફોલ્ડર વાળી ડોક્યુમેન્ટ ફાઈલ આપવામાં આવી હતી. આ તકે શાળાના વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોતાના ભાવ પ્રતિભાવ રજૂ કર્યા હતા. સાથે જ સુંદર ભેટ દ્વારા શાળાને ગુરુદક્ષિણા અર્પણ કરી હતી. કાર્યક્રમને અંતે બંને તાલીમાર્થી બહેનો તરફથી શાળા પરિવારને પાઉં ભાજી, છાસ અને સલાડનું ભરપેટ ભોજન પીરસવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન રાકેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવ્યું અને સ્વાદિષ્ટ ભાજી બનાવવાની જવાબદારી શાળાના શિક્ષક અલ્પેશભાઈ મોવલીયા અને કાયમી મદદરૂપ થતા વાલી એવા દિનેશભાઈ સરસિયાએ નિભાવી હતી. શાળાના આચાર્ય અવનીબેન પંડ્યા અને ચિરાગભાઈ પટેલ દ્વારા વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને સફળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ભાવમય કાર્યક્રમને પરિણામે શાળા પટાંગણમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.