મણિપુર અને નાગાલેન્ડથી કોઈપણ રીતે હથિયાર પરવાના મેળવવાનું રાજ્યવ્યાપી કૌભાંડ: મોરબી જિલ્લામાંથી આઠ શખ્સોના કબ્જામાંથી 9 હથિયાર જપ્ત

મોરબી : મણિપુર અને નાગાલેન્ડથી કોઈપણ રીતે હથિયાર પરવાના મેળવવાનું રાજ્યવ્યાપી કૌભાંડ ખુલ્લું પડયુ છે ત્યારે સુરેન્દ્રનગર બાદ મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઊંડી તપાસ બાદ મોરબી જિલ્લામાંથી આઠ શખ્સોના કબ્જામાંથી રૂપિયા 8,74,760ની કિંમતના પિસ્ટલ-રિવોલ્વર અને બારબોરનાં હથિયાર ઉપરાંત 251 નંગ જીવતા કારતુસ કબ્જે કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

બહારના રાજ્યમાંથી એજન્ટો મારફતે હથિયાર પરવાના મેળવવાનું મોટું રેકેટ ચાલી રહ્યું હોવાની હકીકતના આધારે રાજકોટ રેન્જ આઇજી દ્વારા ગેરકાયદેસર હથિયાર રાખનાર તેમજ બહારના રાજ્યમાંથી હથિયાર પરવાના મેળવ્યા હોય તેવા ઈસમોની તપાસના આદેશ આપતા મોરબી એસઓજી એટલે કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. વધુમાં મોરબી જિલ્લામાં અમુક ઈસમો વિરુદ્ધ ગુન્હા દાખલ થયા હોવા છતાં આવા ઈસમોએ મણિપુર અને નાગાલેન્ડમાંથી હથિયાર પરવાના મેળવ્યા હોવાનું સામે આવતા એસઓજી ટીમે આવા આઠ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી કુલ 9 હથિયાર અને 251 જીવતા કારતુસ કબ્જે કર્યા હતા.

વધુમાં મોરબી એસઓજી ટીમે કરેલી કાર્યવાહી અન્વયે કુલ આઠ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં 1. ટંકારા તાલુકાના વાછકપર ગામના રોહિત નાનજી ફાંગલીયાના કબ્જામાંથી એક રિવોલ્વર, એક બારબોરની બંદૂક અને 24 જીવતા કારતુસ 2.મોરબીના કાંતિનગરમાં રહેતા ઇસ્માઇલ સાજનભાઇ કુંભારના કબ્જામાથી એક રિવોલ્વર 3. મોરબીના નવલખી રોડ ઉપર રહેતા મુકેશ ભાનુભાઇ ડાંગરના કબ્જામાથી એક રિવોલ્વર અને 48 કારતુસ, 4. કુબેરનગરમાં રહેતા મહેશ પરબતભાઈ મિયાત્રાના કબ્જામાંથી એક રિવોલ્વર અને 34 કારતુસ 5. ખાખરેચીના પ્રકાશ ચુનીલાલ ઉનાલીયાના કબ્જામાંથી એક પિસ્ટલ 6. નવી પીપળી ગામે રહેતા પ્રવિણસિંહ ચતુભા ઝાલાના કબ્જામાથી એક રિવોલ્વર અને 47 કારતુસ 7. જુના નાગડાવાસના માવજી ખેંગારભાઈ બોરીચાના કબ્જામાંથી એક પિસ્ટલ અને 43 કારતુસ તેમજ 8. મોરબીના સિરાજ઼ ઉર્ફે દુખી અમીરઅલી પોપટિયાએ બહારના રાજ્યમાંથી લીધેલ હથિયાર પરવાનો અને હથિયાર ગુન્હાના કામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જમા હોય કુલ 9 હથિયાર કિંમત રૂપિયા 8,74,760 તેમજ કારતુસ નંગ 251 કિંમત રૂપિયા 57,792 કબ્જે કરી તમામ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.