મોરબી તાલુકાના જેતપર ગામે માતાજીના માંડવામાં આવેલ હળવદના માલધારી પરિવારની 4વર્ષ 10 મહિનાની ઉંમરની માસુમ બાળકી ભાગ લેવા માટે ગયા બાદ કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી લઈ જતા ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
હળવદ કુંભાર દરવાજા બહાર રામાપીર મંદિર નજીક રહેતા મુનાભાઈ દાદુભાઈ ગોલતર નામના રીક્ષાચાલક યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે મોરબી તાલુકાના જેતપર ગામે તેમના સગાને ત્યાં માતાજીના માંડવાનો પ્રસંગ હોય તેઓ પરિવારજનો સાથે માતાજીના માંડવામાં આવ્યા હતા. વધુમાં બપોરના સમયે ભરવાડ સમાજની વાડીમાં જમણવાર શરૂ થતાં મુનાભાઇની દીકરી જિયાંશી જોવા ન મળતા તેમના પત્નીને બાળકી ક્યાં છે તેમ પૂછતાં જિયાંશી ભાગ લેવા ગયા બાદ આવી ન હોવાનું જણાવતા મુનાભાઈ અને તેમના પરિવારજનો ઉપરાંત જેતપર ગામના લોકોએ તુરત જ જિયાંશીને શોધવા દોડધામ શરૂ કરી હતી. જો કે, બે જગ્યાએ સીસીટીવી ચેક કરતા જિયાંશી જોવા મળી હતી પરંતુ પીજીવીસીએલ કચેરીથી ભરવાડ સમાજ સુધીમાં જિયાંશી જોવા ન મળતા અંતે બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં બનાવની જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસે બીએનએસ કલમ 137 મુજબ અજાણ્યા ઇસમ વિરુદ્ધ અપહરણ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.




