મોરબી જિલ્લામાં સિવિલ ડિફેન્સના ભાગરૂપે નવલખી બંદર અને મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતે મોકડ્રીલ યોજાઈ

યુદ્ધ જેવી આકસ્મિક પરિસ્થિતિ વખતે સિવિલ ડિફેન્સની સેવાઓની સક્રિયતા સુનિશ્ચિત કરવા મોકડ્રીલ યોજાઈ

ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ તથા રાજ્ય સરકારની સૂચના મુજબ મોરબીમાં તા. ૭ મે ૨૦૨૫ના રોજ નવલખી બંદર તથા મોરબી શહેરમાં નવા બસ સ્ટેન્ડ ખાતે સિવિલ ડીફેન્સ મોકડ્રીલનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરુચ (અંકલેશ્વર), તાપી (કાકરાપાર), સુરત, ભાવનગર, જામનગર, દેવભૂમી દ્વારકા (ઓખા, વાડીનાર), કચ્છ-પૂર્વ (ગાંધીધામ), કચ્છ-પશ્ચીમ (ભુજ, નલીયા) ઉપરાંત પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ, મહેસાણા, નવસારી, નર્મદા, ડાંગ અને મોરબી એમ કુલ-૧૮ જિલ્લાઓમાં મોકડ્રીલ કરવાના ભાગરૂપે મોરબીમાં સિવિલ ડિફેન્સના સામાન્ય સિદ્ધાંતો અનુસાર કુલ ૧૨ વિવિધ પ્રકારની સેવાઓની યુદ્ધ કે અન્ય કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિમાં સક્રિયતા સુનિશ્ચિત કરવા માટે નવલખી બંદર તેમજ મોરબી શહેરમાં નવા બસ સ્ટેન્ડ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી.

મોકડ્રીલના સીનારિયા મુજબ નવલખી બંદરની નવી જેટી પાસે બોમ્બ ધડાકો થતા આગ લાગી હતી જેના પગલે સ્થાનિક કારીગરોની દોડધામ મચી જવા પામી હતી. તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરને કોલ કરતા ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. ફાયર ફાઈટર એ આગ પર કાબુ મેળવ્યો હતો અને ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની સરકારી દવાખાના ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત અન્ય સ્થાનિક કારીગરોને વર્ષા મેડી ખાતે શાળામાં ઉભા કરવામાં આવેલા આશ્રયસ્થાન ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. આ ગતિવિધિઓ દરમિયાન બંદર ખાતે લાઈટ હાઉસ નજીક બીજો બોમ્બ ધડાકો થયો હતો. જ્યાં પણ તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ દોડાવવામાં આવી હતી. ત્યાંથી પણ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ તમામ ગતિ વિધિ મોકડ્રીલનો ભાગ હતી. નવલખી બંદર કે જે કોસ્ટલ એરિયા છે અને કચ્છના દરિયા સાથે જોડાયેલ હોવાથી દુશ્મનો હુમલો કરે તેવી સંભાવના હોવાથી દુશ્મન દેશના હુમલા બાબતે મોકડ્રીલ કરવામાં આવી હતી. ઉપરાંત મોરબી બસ સ્ટેન્ડ કે જ્યાં સામાન્ય રીતે વધારે લોકોની અવરજવર રહે છે જ્યાં પણ અચાનક હુમલાની શક્યતાઓ હોવાથી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મોક ડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની પોલીસ, ફાયર, આરોગ્ય સહિતની મહત્વની ૧૨ સેવાઓ તથા વહીવટી તંત્રના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.