ધોરણ ૧૦ ના પરિણામમાં મોરબી જિલ્લો ૮૮.૭૮ ટકા સાથે રાજ્યમાં દ્વિતિય ક્રમે

સતત પ્રગતિ તરફ જિલ્લાનું શિક્ષણનું સ્તર; છેલ્લા ૫ વર્ષોમાં ધોરણ ૧૦ ના પરિણામમાં ૧૫ ટકાથી વધુના વધારો

૯૬.૭૬ ટકા પરિણામ સાથે વાંકાનેરના પીપળીયા રાજ કેન્દ્ર જિલ્લામાં પ્રથમ; જિલ્લાના ૮૧૬ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવી મોરબી જિલ્લાએ ધોરણ ૧૦ ના પરિણામમાં પણ રાજ્ય કક્ષાએ દ્વિતીય ક્રમાંક મેળવી સમગ્ર રાજ્યમાં મોરબીના શિક્ષણ ક્ષેત્રને આગવું ગૌરવ અપાવ્યું છે.

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં મોરબી જિલ્લાએ ૮૮.૭૮ ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં બીજો ક્રમાંક મેળવ્યો છે. આ વર્ષે જિલ્લામાંથી કુલ ૧૨,૧૨૮ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ ની પરીક્ષા આપી હતી જેમાંથી ૧૦,૭૬૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આ વિદ્યાર્થીઓમાંથી ૮૧૬ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી જિલ્લાને સિદ્ધિ અપાવી છે.

છેલ્લા પાંચ વર્ષના ધોરણ ૧૦ ના પરિણામની વાત કરીએ તો વર્ષ ૨૦૨૦માં ૬૪.૬૨ ટકા, વર્ષ ૨૦૨૧માં કોરોનાના કારણે માસ પ્રમોશન, વર્ષ ૨૦૨૨માં ૭૩.૭૮ ટકા, વર્ષ ૨૦૨૩માં ૭૫.૪૩ ટકા, વર્ષ ૨૦૨૪માં ૮૫.૪૦ ટકા અને વર્ષ ૨૦૨૫માં ૮૮.૭૮ ટકા પરિણામ મેળવ્યું છે. આમ તુલનાત્મક અભ્યાસ કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં મોરબી જિલ્લાના ધોરણ ૧૦ના પરિણામમાં ૧૫% થી વધુનો વધારો થયો છે. જિલ્લામાં 33 શાળાઓએ સો ટકા પરિણામ મેળવ્યું છે, જ્યારે ઝીરો ટકા પરિણામ ધરાવતી હોય તેવી એકપણ શાળા નથી જે ગર્વની વાત છે.

મોરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર, ટંકારા, જેતપુર(મચ્છુ), સિંધાવદર, હળવદ, ચંદ્રપુર, ચરાડવા, પીપળીયા અને પીપળીયા રાજ મળી કુલ ૧૦ કેન્દ્રો ખાતે ધોરણ ૧૦ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાંથી વાંકાનેરના પીપળીયા રાજ કેન્દ્રએ સમગ્ર મોરબી જિલ્લામાં ૯૬.૭૬ ટકા સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે ૯૪.૦૪ ટકા સાથે સિંધાવદર દ્વિતીય અને ૯૩.૯૪ % સાથે ટંકારા કેન્દ્ર તૃતીય ક્રમાંકે રહ્યું છે.

      ધોરણ ૧૦ ના પરિણામમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી કમલેશ મોતા અને જિલ્લા શિક્ષણ અધિકારીની સમગ્ર કચેરી તથા જિલ્લાના શિક્ષણવિદો દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળાઓઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.