મોરબીમાં જિલ્લાકક્ષાની નવી જેલને મંજૂરી આપતા મુખ્યમંત્રી

મોરબીથી ત્રણેક કિમી દૂર અમરેલી ગામમાં જેલ માટે ૩૨ એકર જમીનની ફાળવણી જિલ્લા કલેકટર દ્વારા કરાઇ

૧૯૫૪માં ૮૪ કેદી સમાવવાની ક્ષમતાથી શરૂ કરાયેલી સબ જેલની બાદમાં ૧૭૧ સુધીનો ઉત્તરોત્તર વધારો કરાયેલોઃ આગામી ૫૦ વર્ષના કેદીઓની સંખ્યાને ધ્યાને લઇને નવી જેલ ૫૫૦ કેદીઓની ક્ષમતાની બનાવાશે

જેલમાં કેદીઓ માટે મનોરંજન માટેના હોલહરવા ફરવાના મેદાનોતાલીમ સાથે રોજગાર મળી રહે તેવી સગવડોનો થશે સમાવેશ

સરકારી કચેરીઓ આધુનિક અને સુવિધાયુકત બનાવવા રાજય સરકાર પ્રયત્નીશીલ છે ત્યારે નગરમાંથી શહેર અને તાલુકામાંથી જિલ્લા બનેલા મોરબીમાં જિલ્લાકક્ષાની જેલ બનાવવાનો મહત્વનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા કરાયો છે. આ આધુનિક જેલ બન્યા બાદ જેલમાં કેદીઓને રાખવાની ક્ષમતા અને સુવિધામાં વધારો થશે. ઓવરક્રાઉડની સમસ્યાનું નિરાકરણ થશે.

આ અંગે વધુ માહિતી આપતા કલેકટર કે.બી. ઝવેરીએ જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મોરબીમાં જિલ્લાકક્ષાની જેલને મંજૂર કરી મહત્વનો નિર્ણય કર્યો છે. જેથી હવે પછી ૧૭૧ ની સામે ૫૫૦ ની વધુ ક્ષમતા ધરાવતી આધુનિક જેલ નિર્માણ પામશે. જિલ્લા જેલરની માગણીથી મોરબીથી ત્રણેક કિમી દૂર આવેલ અમરેલી ગામમાં સર્વે નં. ૧૯૯ પૈકી એકની જમીનમાંથી ૫-૨૨-૭૦ હેક્ટર  જમીન જેલ બનાવવા માટે વહિવટી તંત્ર દ્વારા તબદીલ કરવામાં આવી હતી. જેથી કેદીઓ સહિત જેલના સ્ટાફને સુવિધાયુકત જેલ મળી રહેશે.

નવી જેલની મંજૂરીના મુખ્યમંત્રીશ્રીના નિર્ણયને આવકારતા જિલ્લા જેલરશ્રી ડી. એમ. ગોહિલ કહે છે કે, મોરબીની સબ જેલ ૧૯૫૪માં શરૂ કરવામાં આવી હતી. તે સમયે કેદીઓની સમાવેશ સંખ્યા ૮૪ની હતી જે બાદમાં વર્ષ ૨૦૧૭માં જરૂરી સુધારા વધારા કરતાં ૧૭૧ (૧૪૩ પુરૂષ કેદી અને ૨૮ મહિલા કેદી) કરાઈ હતી.  કેદીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો હોઈ આગામી ૫૦ વર્ષને ધ્યાને લઇને નવી જિલ્લા જેલ બનાવવા માટે જિલ્લા જેલ કમિટિએ તંત્રને દરખાસ્ત કરી હતી. જેલમાં કેદીઓના રહેવાની, મનોરંજન માટેના હોલ, હરવા ફરવા માટેની ખુલ્લી જગ્યાનો સમાવેશ થશે. જેમા સરકારશ્રી દ્વારા કેદીઓને જેલમાં તાલીમ સાથે રોજગાર મળી રહે તે માટે જેલમાં વિવિધ પ્રકારના ઉધોગો શરૂ કરવાની સગવડોનો સમાવેશ થયો છે. પપ૦ કેદીઓમાં ૫૦૦ પુરૂષ કેદીઓ અને ૫૦ મહિલા કેદીઓનો સમાવેશ કરવાના હેતુથી જમીનની માગણી થઇ હતી.

મોરબીમાં જિલ્લા જેલ કમિટીએ નવી જેલની માગણી તંત્રને કરી હતી. મોરબીમાં આ જિલ્લાકક્ષાની નવી જેલને મંજૂરી જિલ્લા જેલ કમિટિમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રકટ જજ, જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ, સિનિયર મોસ્ટ લેડી જયુડિશિયલ ઓફિસર, જેલ અધિક્ષક સભ્ય છે.