તારીખ 28 જૂન 2025 ના રોજ માળિયા તાલુકાની નાની બરાર તાલુકા શાળા ખાતે નાની બરાર તાલુકા શાળા, નાની બરાર કન્યા શાળા અને સરકારી હાઈસ્કૂલ નાનીબરારના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી માળિયા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ તાલુકા પંચાયત માળીયા અને તાલુકા ભાજપના અગ્રણીઓ જેવા કે અશોકભાઈ બાવરવા, રાજેશભાઈ હુંબલ, બાબુભાઈ હુંબલ, મનીષભાઈ કાંજીયા, ભાવિકભાઈ કાવર અને યુવરાજસિંહ જાડેજા એ હાજર રહી બાળકોને આશીર્વાદ આપ્યા હતા. શાળાની વિધાર્થિનીઓએ કુમકુમ અને ફુલ પાંદડી દ્વારા તો ગામના સરપંચ પ્રભાતભાઈ બકુત્રાએ અંતરના ઉમળકાથી સૌ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. શાળા પરિવાર વતી શાળાના આચાર્ય રાકેશભાઈ ફેફરે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
કાંતિલાલ અમૃતિયાએ પોતાના પ્રેરક ઉદ્બોધનમાં શિક્ષણના મહત્વ, વ્યસન મુક્તિ, અને નાનપણથી આર્થિક બચત પર ખાસ ભાર મૂક્યો હતો અને સરકારશ્રીની વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓની જાણકારી આપી હતી.





મુખ્ય મહેમાન અને અન્ય મહાનુભાવોના હસ્તે 12 જેટલા નવપ્રવેશિત ભૂલકાઓ અને ધોરણ 9 ના 21 વિધાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે વિવિધ શૈક્ષણિક ઉપલબ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ શૈક્ષણિક કીટ અને શીલ્ડના દાતાઓનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. વૃક્ષારોપણ કરી આ કાર્યક્રમે પૂર્ણ કરવામાં આવ્યો. કાર્યક્રમને સફળ બનાવવા ત્રણેય શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
