મોરબી શહેરમાં રોડ રીપેરીંગ, ભૂગર્ભ ગટર અને સફાઈ સહિતની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશ્નર

કમિશ્નરએ રાત્રે જેલ રોડ, લાતી પ્લોટ, સનાળા રોડ, માર્કેટિંગ યાર્ડ, નાની કેનાલ રોડ, પંચાસર રોડ સહિતના વિસ્તારોની મુલાકાત લીધી

રોડ રીપેરીંગભૂગર્ભ ગટર અને સફાઈ તથા સ્ટ્રીટ લાઈટ રીપેરીંગની કામગીરીનું તલસ્પર્શી નિરીક્ષણ કરી કમિશ્નરએ જરૂરી સૂચનો કર્યા

સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશન હેઠળ રાજ્ય સરકારે ખાસ માર્ગ સમારકામ અભિયાન હાથ ધર્યું છે. ત્યારે મોરબી શહેરી વિસ્તારમાં વિવિધ પ્રશ્નો અન્વયે મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ મોરબીના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને શહેરમાં ચાલી રહેલ રસ્તા સમારકામ સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત લોકોના પ્રશ્નોનો ઝડપી અને યોગ્ય નિકાલ આવે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

ગત તારીખ ૧૪/૦૭/૨૦૨૫ ના રોજ રાતના સમયે કમિશ્નરએ મોરબીમાં સબજેલ રોડ થી યદુનંદન ગેટ સુધી ચાલી રહેલ રોડ રિસર્ફેસિંગ, લાતી પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે રોડ લેવલીંગ અને સમારકામ, સનાળા રોડ પર સાફ-સફાઈની કામગીરી, માર્કેટિંગ યાર્ડ પાસે તથા નાની કેનાલ રોડ પર સ્ટ્રીટ લાઈટ રીપેરીંગની કામગીરી અને પંચાસર રોડ પર ભૂગર્ભ ગટરની સાફ-સફાઈની કામગીરીનું સ્થળ પર જઈ તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું.

કમિશ્નરએ સનાળા રોડ પર આવેલ પેટ્રોલ સપંપ પાસે તથા પંચાસર રોડ પર સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી તેમની સાથે ચર્ચા વિચારણા કરી હતી અને તેમની સમસ્યાઓ જાણવા પ્રયાસ કર્યો હતો. લોકોના પ્રશ્નોનો ઝડપી અને યોગ્ય નિકાલ થાય તે માટે તેમણે ઉપસ્થિત અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત ચાલી રહેલ વિવિધ કામગીરીની માહિતી મેળવી જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ મુલાકાત દરમિયાન મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા તથા એન્જિનિયર હિતેશ આદ્રોજા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.