મોરબી : 8-એ નેશનલ હાઇવે ખખડધજ તાકીદે મરામત કરવા ભાજપ અગ્રણી અરવિંદભાઈની NHAIને રજુઆત

કુલ 19 સ્થળો પર સર્વિસ રોડ અને ડ્રેનેજ સિસ્ટમના સમારકામની કામગીરી કરવાની માંગ

મોરબી : મોરબી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે-27 (8-એ) ની ખરાબ હાલત અંગે નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા (NHAI) ના પ્રોજેકટ ડાયરેકટર, ગાંધીધામને પૂર્વ પ્રમુખ, મોરબી તાલુકા ભાજપના અરવિંદભાઈ વાંસદડીયાએ એક પત્ર લખી તાત્કાલિક સમારકામ કરવા રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી જિલ્લાના માળીયા(મી), મોરબી, અને વાંકાનેર તાલુકાના 95 કિલોમીટર વિસ્તારમાંથી પસાર થતો આ હાઈવે સિરામિક ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર હોવાથી હજારો હેવી ટ્રકોની અવરજવર રહે છે. ભારે ટ્રાફિકના કારણે હાઈવેને ભારે નુકસાન થયું છે. નેશનલ હાઈવે સાથે જોડાતા ગ્રામ્ય રસ્તાઓના જંકશન હાલ અત્યંત ખરાબ હાલતમાં છે, જે વાહનચાલકો માટે જોખમી છે. તેમજ ઘણી જગ્યાએ ડ્રેનેજ સિસ્ટમ બંધ હાલતમાં હોવાથી વરસાદી પાણીનો ભરાવો થાય છે. દરેક ઓવરબ્રિજ પાસે લાઈટો બંધ છે, જેના કારણે રાત્રિના સમયે અકસ્માતનો ભય રહે છે. ત્યારે તાત્કાલિક લાઈટિંગ સુવિધાઓ પૂરી પાડવાની જરૂરિયાત છે.

રજૂઆતમાં કુલ 19 રસ્તાઓનો ઉલ્લેખ કર્યો છે જ્યાં સર્વિસ રોડ અને ડ્રેનેજ સિસ્ટમના સમારકામની તાત્કાલિક જરૂર છે. આમાં માળીયા(મી) જામનગર ઓવરબ્રિજ, હળવદ (અમદાવાદ) ઓવરબ્રિજ, રાજકોટ ઓવરબ્રિજ, ટીંબડી, માળીયા ફાટક, ત્રાજપર, લાલપર, રફાળેશ્વર, મકનસર, બંધુનગર, યુવા ઓવરબ્રિજ, અને વાંકાનેર ઓવરબ્રિજ પાસેના સર્વિસ રોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સોખડા, ગાળા, હરીપર, ભરતનગર, લખધીરપુર, નવા જાંબુડીયા, અને સરતાનપર જંકશન પર પણ સમારકામની કામગીરી કરવાની NHAI ને રજૂઆત કરવામાં આવી છે..