મોરબી જિલ્લાના ૭૯ હજારથી વધુ ખેડૂતો લાભાર્થીઓના ખાતામાં ૨૦માં હપ્તા અન્વયે રૂ. ૧૬.૮૨ કરોડથી વધુ જમા કરાયા
ખેડૂત કલ્યાણની યોજનાઓ થકી કૃષિક્ષેત્રના વિકાસદરમાં સતત વધારો થઈ રહ્યો છે – જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી





મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ અંતર્ગતનો કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ગોર ખીજડીયા, મોરબી ખાતે યોજાયો હતો. જે કાર્યક્રમના ભાગરૂપે મોરબી જિલ્લાના ૭૯ હજારથી વધુ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં પી.એમ. કિસાન સન્માન નિધિના ૨૦માં હપ્તા પેટે રૂ. ૧૬.૮૨ કરોડથી વધુ રકમ જમા કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોના ઉત્કર્ષ અને ખેતી ક્ષેત્રના ઉજ્જવળ ભાવિ માટે સતત પ્રયત્નશીલ છે. સરકારની યાંત્રિકીકરણ યોજના હેઠળ ખેડૂતો આધુનિક બન્યા છે અને ઉત્પાદન નોંધપાત્ર વધારો થયો છે અને કૃષિક્ષેત્રના વિકાસદરમાં સતત વધારો થઈ રહ્યો છે. મોરબી જિલ્લાના અનેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં ૧૦૦ ટકા સફળતા મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ કરોડોની સબસીડી અને સહાય મળી રહી છે. જેના ભાગરૂપે આજે પી.એમ. કિસાન સન્માન નિધિનો ૨૦ હપ્તો સીધો ખેડૂતોના ખાતામાં જમા થયો છે. વધુમાં તેમણે દરેક ગામની પેદાશ તે ગામની બ્રાન્ડ બને તે માટે મહેનત કરવા ખેડૂતોને હાકલ કરી હતી.
ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, આજનો દિવસ એ ખેડૂતો માટેનો ઉત્સવ છે. મોરબી જિલ્લો ખેતી ક્ષેત્રે અગ્રેસર બને તે માટે અનેકવિધ યોજનાઓ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને મોરબીમાં ખેતીક્ષેત્રે નવા સંશોધનો અને નવા આયામો હાંસલ કરવાના હેતુથી મોરબી જિલ્લાને સરકાર દ્વારા નવી કૃષિ કોલેજની ફાળવણી પણ કરવામાં આવી છે તેવું વધુમાં તેમણે જણાવ્યું હતું.
કલેક્ટર કે.બી. ઝવેરીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, નાના અને સીમાંત ખેડૂતો માટે પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે. સરકારશ્રીની યોજનાઓની સફળ અમલવારી જિલ્લા વહીવટી તંત્ર કટિબધ્ધ છે. દરેક ખેડૂત અને ગ્રામ પરસ્પર એકબીજાને ઓળખે તેવો અભિગમ જિલ્લા વહિવટી તંત્રએ દાખવ્યો છે અને તેના થકી ખેડૂતોને વધુ ને વધુ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવો જોઈએ.
આ પ્રસંગે વિવિધ કૃષિ કલ્યાણની યોજનાઓ હેઠળ મહાનુભાવોના હસ્તે ખેડૂતોને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. સર્વે ઉપસ્થિતોએ આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું વર્ચ્યુઅલી પ્રસારણ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી પીઠાભાઈ ડાંગર, જિલ્લા ખેતાવડી અધિકારી હિંમાશુ ઉસદડીયા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર કે.એમ. ડાભી, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) કે.જી. પરસાણીયા, નાયબ બાગાયત નિયામક બ્રિજેશ જેઠલોજા તથા ખેતાવડી/બગાયત વિભાગના અધિકારી/કર્મચારીઓ અને જિલ્લાના ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
