મોરબી ખાતે શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત ૨૭.૫૫ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ કરાયું

મોરબી શહેરના લોકોની સુવિધાસભર જીવનની શૈલી માટે સરકાર સતત પ્રયત્નશીલ – સાંસદ વિનોદભાઈ ચાવડા

મોરબી સિટીનો એક્શન પ્લાનમહાનગરપાલિકાની વેબસાઈટ તથા એપ્લિકેશનનું લોન્ચિંગ કરાયું

શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ ની ઉજવણી પ્રસંગે મોરબી મહાનગરપાલિકા દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ૨૭.૫૫ કરોડથી વધુના ખર્ચના મોરબી શહેરના અનેકવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, મોરબી શહેરને વિવિધ પ્રકલ્પોની ભેટ મળવા જઈ રહી છે જેના થકી શહેરી વિકાસને વધુ વેગ મળશે. મોરબી શહેરના લોકોની સુવિધાસભર જીવન શૈલી માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. મોરબી શહેરના વિકાસ માટે સરકાર દ્વારા ૭૮૩ કરોડ જેટલી માતબર રકમનું બજેટ ફાળવવામાં આવ્યું છે જેના થકી મોરબી શહેરની કાયાપલટ થશે. મોરબી ઐતિહાસિક શહેર છે ત્યારે મોરબી જિલ્લો ટુરીઝમ ક્ષેત્રનું પણ હબ બને તે માટે ખૂટતી કડીઓ સંલગ્ન કામગીરી સરકારે હાથ ધરી છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરેજા અને જિલ્લા કલેક્ટર કે.બી ઝવેરીએ પ્રાસંગિક પ્રવચનમાં મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ મોરબી શહેરના વિકાસના રોડમેપ વિશે વાત કરી મોરબી શહેરમાં નિર્માણ પામનાર વિવિધ વિકાસ કાર્યો થકી શહેરીજનોને મળનાર સવલતો બાબતે છણાવટ કરી હતી.

મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે એ શહેરના સીટી એક્શન પ્લાનનું વિવરણ કરતા આગામી સમયમાં મોરબીમાં નિર્માણ પામનાર વિવિધ વિકાસકાર્યો જેવા કે, બ્રિજ, રોડ રસ્તા અને ફાયર સ્ટેશન્સ સહિતના ઈન્ફાસ્ટ્રકચર, શહેરના બ્યુટીફિકેશન માટે વિવિધ બગીચાઓ સહિતની સવલતો, પાનેલી તળાવ સંલગ્ન પાણીની યોજનાનું નવીનીકરણ અને શહેરમાં પાણી વિતરણ માળખાને સુદ્રઢ બનાવવાના વિવિધ આયોજનો, સુવ્યવસ્થિત ભુગર્ભ ગટરનું માળખુ, શહેરમાં વિવિધ સ્થળોએ સર્કલનુ નિર્માણ અને બ્યુટીફિકેશન, ટ્રાફિક નિયમન તથા મોરબીને ગ્રીન મોરબી ક્લીન મોરબી બનાવવા અંગેના આયોજન સહિતના કામો અંગે લોકોને વાકેફ કર્યા હતા.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે નાની કેનાલ આઇકોનિક રોડ સહિતના વિવિધ રોડ રસ્તાના કામ, SWM અંતર્ગતના વિવિધ કામ તથા પાણીની પાઇપ લાઇન, અર્બન હેલ્થ સેન્ટર, ગાર્ડન સહિતના ૨૭.૫૫ કરોડથી વધુની રકમના અનેકવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મોરબી સિટી એક્શન પ્લાન અને સિટી એક્શન પ્લાન બુક, મહાનગરપાલિકાની વેબસાઈટ અને એપ્લિકેશન લોન્ચિંગ કરવામાં આવ્યું હતું તથા લીલી ઝંડી બતાવી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનો, જેસીબી સહિતના આધુનિક સાધનો તેમજ ફાયર ફાઈટરને પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા, મોરબી મહાનગરપાલિકાના નાયબ કમિશ્નર કુલદીપસિંહ વાળા અને સંજય સોની તથા સ્થાનિક આગેવાનો અને મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા