મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ

નારી વંદન ઉત્સવ સપ્તાહના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને ‘મહિલા નેતૃત્વ દિવસ” ની ઉજવણી જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવી હતી. જેમાં મહિલાઓના સશક્તીકરણ તથા વિવિધ ક્ષેત્રોમાં તેમના નેતૃત્વના ઉદ્દેશ સાથે સરકારી વહીવટી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી વિશે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સરકારી વહીવટી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી અને સિવિલ સર્વિસમાં કારકિર્દી” વિષય પર વિસ્તૃત અને પ્રેરણાદાયી વાત કરી તેમણે જણાવ્યું હતું કે, આજે મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે અને સિવિલ સર્વિસ જેવી જવાબદારીભરી સેવાઓમાં પણ તેઓ સિદ્ધિ હાંસલ કરી રહી છે. તેમણે યુવતીઓને આવી કારકિર્દી તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા કહ્યું કે તમારામાં ક્ષમતા છે, સંકલ્પ છે, તો પોતાના સપનાને પાંખ આપો અને દેશના વહીવટી તંત્રનો ભાગ બનીને પરિવર્તન લાવો.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ.ગઢવીએ વિવિધ ક્ષેત્રોમાં મહિલા નેતૃત્વ અંગે મહત્વપૂર્ણ દૃષ્ટિકોણ રજૂ કર્યો અને મહિલાઓના આર્થિક, શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં તેમનાં યોગદાન અંગેની પ્રેરણાત્મક વાત કરી હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતી Top-10 દીકરીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.