હળવદ તાલુકાના વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી ૨૫ લાખનો ચેક અર્પણ
હળવદમાં આન, બાન અને શાન તથા અનેરા ઉત્સાહ સાથે હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે મોરબી જિલ્લા કક્ષાના ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો તથા પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રાસંગિક ઉદ્બોધનમાં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવતાં સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, મોરબીની આ ભૂમિ પર ફક્ત સિરામિકની માટી કે મીઠું જ નથી પાકતું પણ માતૃભૂમિના અનેક વીરો આ મોંઘેરી માટીમાં પાક્યા છે, સ્વાધીનતાના પ્રખર હિમાયતી દયાનંદ સરસ્વતી અને ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર આ મોરબી જિલ્લાની ધરા સાથે જોડાયેલા છે. મોરબીમાં નિર્માણ પામેલા અને નિર્માણાધિન અનેક વિકાસ કાર્યોનું વિવરણ કરતા તેમણે જણાવ્યું હતું કે, નાનો એવો મોરબી જિલ્લો સિરામીકના ઉત્પાદનમાં ચીન જેવા મોટા દેશને હંફાવવાની તાકાત ધરાવે છે.
ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા કરવામાં આવેલા આ મિશન થકી આપણા દેશની તાકાત અને આપણી સૈન્યના પરાક્રમ અને શૂરવીરતાના દર્શન થયા છે. આ મિશન થકી આપણો દેશ એક બન્યો છે અને આપણા દેશની ક્ષમતાનો પુરાવો વિશ્વને મળ્યો છે. આપણી ભારત ભૂમિની માટી એ ફક્ત માટી નથી પણ તેના કણ કણમાં શૂરવીરતા, સાહસ અને સમર્પણની ગાથા છે. ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવામાં આવેલ તમામ સુરક્ષા સાધનો અને શસ્ત્રો મેડ ઈન ઇન્ડિયા હતા તેવું તેમણે ગર્વભેર જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત આગળ વધી રહ્યું છે. સ્ટાર્ટ અપ ઈન્ડિયા, એક પેડ મા કે નામ, સ્વચ્છતા અભિયાન, સહકારથી સમૃદ્ધિ, નલ સે જલ અને કેચ ધ રેઇન, વાયબ્રન્ટ ગુજરાત, સોલર રૂફટોપ સહિતની યોજનાઓ અને સુવિધાઓ થકી સશક્ત સમાજનું નિર્માણ થઈ રહ્યું છે.
આ ઉજવણી અન્વયે મંત્રીએ મહિલા પોલીસ સહિતના જવાનોનું પરેડ નિરીક્ષણ કર્યું હતું. સ્વતંત્રતા દિવસના પર્વ નિમિતે લોકોએ દેશ ભક્તિના રંગેમાં સૌને તરબોળ કરી દે તેવા રાષ્ટ્ર પ્રેમને સમર્પિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી કલાના કામણ પાથર્યા હતા. આ પ્રસંગે મોરબી હળવદ તાલુકાના વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તથા જિલ્લામાં લાયબ્રેરી માટે ૩.૭૫ લાખ અર્પણ કરવામાં આવ્યા હતા.
સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે જિલ્લામાં યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને જિલ્લા પંચાયાતની પ્રોત્સાહક યોજના અન્વયે ૧૫ હજારના ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં જિલ્લામાં વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ, ઉપરાંત જિલ્લાના રમતવીરો, ટીકરની તરવૈયાઓની ટીમ અને આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરનાર વિદ્યાર્થીઓનું પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી સહિત સર્વે મહાનુભવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, સાંસદ ચંદુભાઈ શિહોરા, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, હળવદ નગરપાલિકાના પ્રમુખ ફોરમબેન રાવલ, જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, હળવદ માર્કેટીંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી અને જિલ્લાના પદાધિકારી / અધિકારીઓ, પોલીસના જવાનો, જિલ્લા તેમજ હળવદ શહેરના નાગરિકો તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

