મોરબીમાં મહાનગરપાલિકા કક્ષાના ૭૬ માં વન મહોત્સવની ઉજવણી કરાઈ

વન મહોત્સવ એ પર્યાવરણના જતન અને પ્રકૃતિના પોષણ માટે મહત્વનો કાર્યક્રમ-સાંસદ પરષોત્તમ રૂપાલા

મોરબી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગની કુલ ૭ નર્સરીઓમા ચાલુ વર્ષમાં ૧૦.૬૨ લાખ રોપાઓનો વિતરણ કરવા માટે ઉછેર કરાયો

મોરબીમાં માર્કેટિંગ યાર્ડ ખાતે મોરબી મહાનગર પાલિકા કક્ષાના ૭૬ માં વન મહોત્સવની ઉજવણી સાંસદ પરષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.

આ તકે અધ્યક્ષીય પ્રવચન આપતા સાંસદ પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, વન મહોત્સવ એ પર્યાવરણના જતન અને પ્રકૃતિના પોષણ માટે મહત્વનો કાર્યક્રમ છે. મોરબીમાં  મોટા પાયે વૃક્ષારોપણ થઈ રહ્યું છે તે ખૂબ સારી બાબત છે. ફક્ત વૃક્ષો વાવવાના નથી પણ વૃક્ષોનું ઉછેર કરવું પણ જરૂરી છે, વૃક્ષોના જતન કરની જવાબદારી નાગરિકોએ ઉપાડવી જોઈએ.  વૃક્ષની કાળજી રાખવા અને પ્લાસ્ટિક મુક્ત ભારત માટે સૌને પ્રયાસો કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, હાલ મોરબીમાં વૃક્ષારોપણ માટે સરકાર, નાગરિકો અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત સૌ સહિયારા પ્રયાસ કરી રહ્યા છીએ. સૌ જન્મદિવસની ઉજવણી અંતર્ગત એક વૃક્ષ જરૂરથી વાવે તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.

જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી તથા વન વિભાગના અધિકારીઓએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું.

વન વિભાગના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ સરકારી તથા ગ્રામ પંચાયતની જમીનમાં વાવેતર કરવામાં આવતુ હોય છે. જે અન્વયે ૩૮ હેકટર વિસ્તારમાં ૫૦ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. મોરબી જિલ્લામાં વનકવચ (મિયાવાકી) યોજના અન્વયે ૫ હેકટર વિસ્તારમાં ૫૦૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવા આયોજન કરવામાં આવ્યું છે તેમજ શહેરી વિસ્તારની આજુ-બાજુમાં અર્બન વનકવચ યોજના અન્વયે ૨ હેકટર વિસ્તારમાં ૨૦૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગની કુલ ૭ નર્સરી આવેલી છે. જેમાં આ વર્ષ ૧૦.૬૨ લાખ રોપા વિતરણ કરવા માટે ઉછેર કરવામાં આવ્યા છે. કોઇપણ વ્યકતિ કે સંસ્થા આ નર્સરી પરથી વૃક્ષ વાવેતર માટે રોપા મેળવી શકે છે. મોરબી જિલ્લામાં વિકેન્દ્રીત પ્રજા નર્સરી, મહિલા નર્સર અને ખાસ અંગભુત (એસ.એચ.જી./એસ.સી.ગૃપ નર્સરી) યોજના અન્વયે ૩ લાખ ૩૫ હજાર જેટલા રોપા ઉછેરની કામગીરી કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગની લાભાર્થી લક્ષી યોજનાઓ જેમાં એગ્રો ફોરેસ્ટ્રી યોજના હેઠળ વૃક્ષખેતી કરતા ખેડુતોને નાણાકિય સહાય ચુકવવામાં આવે છે. જે થકી ૩૬૫ હે. વિસ્તારમાં વૃક્ષખેતી કરતા ખેડુતોને નાણાકીય સહાય ચુકવવામાં આવશે.’એક પેડ માં કે નામ’ વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં સામાજીક વનીકરણ વિભાગ દ્વારા ૪ લાખ જેટલા રોપા વાવેતર કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લાના અલગ-અલગ ગામોમાં ઘાર્મિક સ્થળ/પંચાયત/ગામનો ચોરો જેવી જગ્યાએ ગામના લોકોના સહકારથી પંચરત્ન ગ્રામ વાટીકા મોડેલ અન્વયે ૮ જેટલા ગામોમાં વાવેતર કરવા આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્રારા જાહેર માર્ગ, ધાર્મિક ઐતિહાસિક મહત્તા ઘરાવતા સ્થળો અને રાહદારીઓને વિશ્રામ મળે તે આશયથી વન વિભાગ દ્રારા અલગ-અલગ જગ્યાએ ૨૦૨૪-૨૫ ના વર્ષમાં ૩ વનફુટીર બનાવવામાં આવી છે તમેજ ચાલુ વર્ષે પણ ર વનકુટીર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વન મહોત્સવની ઉજવણી અંતર્ગત સર્વે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું તથા લીલી ઝંડી બતાવી વૃક્ષ રથને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજકોટ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા, ધાંગધ્રા ઘુડખર અભ્યારણના નાયબ વન સંરક્ષક બી.એમ. પટેલ, એ.સી.એફ. એસ.ટી. કોટડીયા, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર સંજય સોની, મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને સહકારી અગ્રણી ભવાનભાઈ ભાગિયા, અગ્રણી કે.એસ. અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા તથા મોરબી શહેરીજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.