સંકલ્પ નવરાત્રી મહોત્સવના ફાઇનલમાં થશે ઇનામોની વણઝાર

પ્રિન્સ અને પ્રિન્સેસને ઇ- બાઇક તેમજ લિટલ પ્રિન્સ અને પ્રિન્સેસને બાયસિકલ સહિતના ઈનામો આપવામાં આવશે

મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે આયોજીત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ દરરોજ ઉત્સાહભેર ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે આ મહોત્સવના ફાઈનલમાં અંતિમ દિવસે ખેલૈયાઓ ઉપર ઇનામોની વણઝાર થવાની છે.

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રવાપર-ઘુનડા રોડ ઉપર પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ ખાતે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં બહેનોને નિઃશુલ્ક એન્ટ્રી છે. આ નવરાત્રી મહોત્સવમાં હાલ રાત્રીના મોડેથી મંડળી ગરબા પણ રમાડવામાં આવી રહ્યા છે. જે ખેલૈયાઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ઉપરાંત અહીં દરરોજ વિશેષ લોકોને આમંત્રિત કરી ગરબે રમાડવામાં આવે છે. સાથે સામાજિક ક્ષેત્રના મહાનુભાવોનું ખાસ સન્માન પણ કરવામાં આવે છે.

યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દરેક વર્ગના લોકો ખૂબ ઉત્સાહથી ગરબે રમી માતાજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે ફાઇનલમાં પ્રિન્સ અને પ્રિન્સેસને ઇ- બાઇક તેમજ લિટલ પ્રિન્સ અને પ્રિન્સેસને બાયસિકલ સહિતના ઈનામોથી નવાઝવામાં આવશે.