યંગ ઇન્ડિયા ગ્રુપે જરૂરિયાતમંદ બાળકો અને પરિવારો સાથે ઉજવી માનવતાની દિવાળી

આશરે 3000 જેટલા બાળકોને ફટાકડાની કીટ, સ્વાદિષ્ટ મીઠાઈ અને ભોજન તેમજ 200 જેટલા પરિવારોને રાશન કીટનું વિતરણ કરીને પ્રકાશપર્વનો સાચો અર્થ દિપાવ્યો

મોરબી : દિવાળી માત્ર દીયા અને ફટાકડાનો તહેવાર નથી — એ તો હૃદયના અંધકારને દૂર કરી માનવતાનો પ્રકાશ ફેલાવવાનો અવસર છે. એવી જ ભાવનાને જીવંત રાખતા મોરબીના જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ વર્ષે દિવાળીની ઉજવણી ખાસ રીતે કરવામાં આવી. ગ્રુપના સભ્યોએ અભાવોમાં જીવતા આશરે 3000 જેટલા બાળકોને ફટાકડાની કીટ તથા સ્વાદિષ્ટ મીઠાઈ સાથે ભરપૂર ભોજન કરાવીને ઉજવણીનો સાચો મર્મ દિપાવ્યો.

તેમજ આ અવસરે 200 જેટલા આર્થિક રીતે નબળા પરિવારોને રાશન કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું જેથી તેઓ પણ પોતાના પરિવારમાં આનંદના અજવાળા ફેલાવી શકે.

યંગ ઇન્ડિયા ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી “આપવાનો આનંદ” અભિયાન હેઠળ દરેક તહેવારની અનોખી રીતે ઉજવણી કરે છે. આ અભિયાનનો મંત્ર છે “આપવાનો આનંદ જ જીવનનો સાચો આનંદ.” દરેક તહેવારે ગ્રુપ એવા પરિવારો સાથે ઉજવણી કરે છે, જેઓ તહેવારની ખુશીથી વંચિત હોય છે, અને એમને પરિવાર જેવી આત્મિયતા સાથે પ્રેમનો સ્પર્શ આપે છે.

દિવાળીની આ પ્રેરણાદાયી ઉજવણી સંદર્ભે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે —

“તમને ખબર છે કે તમે જેવી જિંદગી જીવો છો, એવી જિંદગી સમગ્ર વિશ્વના ફક્ત દસ ટકા લોકોના નસીબમાં લખાયેલી છે. બાકી નેવ્વા ટકા લોકો તમારા જેવી જિંદગી જીવવાનું સ્વપ્ન જોતા હોય છે. જો આપણે દિલમાં માનવતા, ઉદારતા અને પ્રામાણિકતાનો દીવો ઝગમગતો રાખી શકીએ, તો આખું વિશ્વ ઉજાસથી ભરાઈ જશે.”

તેમણે આગળ જણાવ્યું કે, “દિવાળી અને નવું વર્ષ ફક્ત કેલેન્ડર બદલવાનો પ્રસંગ નથી, પણ એ જીવનમાં નવી શરૂઆત કરવાનો અવસર છે. ઘર સાફ થઈ જાય છે, પણ દિલનું શું? એ પણ સાફ થવું જોઈએ — દ્વેષ, અહંકાર અને સ્વાર્થના અંધકારથી. દિવસો તો પસાર થવાના જ છે, પરંતુ જો એ દિવસોને શ્રેષ્ઠ રીતે જીવી લઈએ, તો જ જીવનનો સાચો અર્થ સમજાય.”

આ દિવાળી પર યંગ ઇન્ડિયા ગ્રુપે મોરબીના વિવિધ વિસ્તારોમાં જઈને બાળકોને ફટાકડાની કીટ, મીઠાઈ અને ભોજન કરાવ્યું તથા ગરીબ પરિવારોને રાશન કીટ આપી “દિલના દીવાઓ પ્રજલિત કરી આનંદના અજવાળા” કરવાનો સંદેશ આપ્યો.

અંતે દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે, “આ દિવાળી પર આપેલી ખુશી એ જ આપણા માટે સૌથી મોટો તહેવાર છે. આવનાર નવા વર્ષમાં પણ અમે આવા જ સમાજ ઉપયોગી કાર્ય ચાલુ રાખી, માનવતાનો પ્રકાશ વધુ તેજસ્વી બનાવવાનો સંકલ્પ લઈએ છીએ.”