મોરબીમાં ક્રાંતિવીરોની પ્રતિમાઓને પ્રકાશમય નિખાર કરી યંગ ઇન્ડિયા ગ્રુપનું પ્રેરણાદાયી સ્વચ્છતા અભિયાન

દિવાળીમાં લોકો ઘર, ઓફીસ, દુકાનો સફાઈ કરતા હોવાની વચ્ચે યંગ ઇન્ડિયા ગ્રુપે ક્રાંતિવિરોની પ્રતિમાઓને સ્વચ્છ બનાવી આવી ક્રાંતિવિરોની પ્રતિમા જેવી મૂલ્યવાન દેશની સંપત્તિની જાળવણી કરવી એ દરેક નાગરિકોનું કર્તવ્ય હોવાનો સંદેશ આપ્યો

મોરબી : દિવાળીના પાવન પર્વ ઉપર વર્ષોની પરંપરા મુજબ લોકો ઘર, ઓફિસ અને દુકાનો સહિત પોતાના તમામ ખાનગી સ્થળોની સફાઈ કરી પ્રકાશમય નિખાર કરે છે. પણ લોકો ક્યાંક ને કાયક નાગરિક ધર્મને ભૂલી ગયા હોય એમ દેશ માટે બલિદાન આવનાર અને જેમનું જીવન પ્રેરણાદાયી હોય એવા ક્રાંતિવિરો, મહાપુરુષોની પ્રતિમાઓ સફાઈના અભાવે ઘૂળ ખાતી હોય છે. ત્યારે મોરબીમાં ક્રાંતિકારી વિચારોને યંગ ઇન્ડિયા ગ્રુપે દિવાળીમાં ખાસ સ્વચ્છતા અભિયાન ચલાવી શહેરમાં આવેલી તમામ ક્રાંતિવિરો અને મહાપુરુષોની પ્રતિમાઓની સઘન સફાઈ કરી નવો જ પ્રકાશમય નિખાર આપી દિવાળીમાં સફાઈની સાચી પરંપરાના મર્મને ઉજાગર કરવાની સાથે આવા ક્રાંતિવિરોની પ્રતિમા જેવી મૂલ્યવાન દેશની સંપત્તિની જાળવણી કરવી એ દરેક નાગરિકોનું કર્તવ્ય હોવાનો સંદેશ આપ્યો છે.

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે દિવાળીની સફાઈની પરંપરામાં નવીન ક્રાંતિકારી પહેલ કરી છે. જેમાં શહેરના લોકો દિવાળીની રાત્રે ફટાકડા ફોડીને અને પ્રકાશની લહેરોમાં ડૂબીને આનંદ માણી રહ્યા હતા, ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના સમર્પિત સભ્યોએ તેમની આ પવિત્ર રાતને અનોખા સ્વચ્છતા અભિયાનમાં અર્પણ કરી દીધી હતી. ગ્રુપે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને દેશની આઝાદી માટે પ્રાણનું બલિદાન આપનારા ક્રાંતિવીરો અને મહાન નેતાઓની પ્રતિમાઓની વ્યવસ્થિત અને ભાવપૂર્ણ સફાઈ કરીને તેમને નવો ચમકદાર નિખાર આપ્યો છે. આ કાર્ય દ્વારા તેઓએ દિવાળીનો સાચો અને અમર સંદેશ વાસ્તવિકરૂપે પ્રગટ કર્યો કે, સાચી ઉજવણી તો સ્વચ્છતા, સંસ્કાર, સમાજસેવા અને રાષ્ટ્રભક્તિ સાથે જોડાયેલી છે. જે અંધકારને પ્રકાશમાં બદલે છે.

યંગ ઇન્ડિયા ગ્રુપના માર્ગદર્શક અને મેન્ટર ડૉ. દેવેનભાઈ રબારીએ આ અનોખા અભિયાન વિશે વાત કરતા કહ્યું હતું કે, દિવાળી કાઢવાનો અર્થ ફક્ત પોતાના ઘર કે ઓફિસની સફાઈનો જ નથી, પરંતુ આપણા શહેરને પણ પોતાનું અમર ઘર માનીને તેની સંભાળ લેવી છે. આપણે સૌ જાહેર મિલકતની જવાબદારીને માત્ર સરકારી તંત્ર પર ભારે કરીએ છીએ, પરંતુ આ શહેર આપણું છે, આપણી વારસો છે અને તેની સ્વચ્છતા આપણી સામૂહિક ફરજ છે. આ જ વિચારધારા સાથે અમે આ અભિયાન શરૂ કર્યું, જેથી દરેક વ્યક્તિમાં સ્વાભિમાન અને સેવાભાવ જાગે. આ અભિયાનના ભાગરૂપે ગ્રુપના સભ્યોએ મોરબી શહેરમાં સ્થાપિત મહાન વ્યક્તિઓની પ્રતિમાઓ જેમ કે શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની ભાવપૂર્વક સફાઈ કરી અને તેમને ચમકદાર બનાવી આ કાર્યથી તેમણે દિવાળીની રાત્રે સ્વચ્છતાનો અમર દીવો જ્વલંત કર્યો અને મોરબીના દરેક નાગરિકને આ સંદેશ આપ્યો છે કે, આવી મૂલ્યવાન દેશની સંપત્તિની જાળવણી અને તેની માનરક્ષા દરેક નાગરિકની પવિત્ર અને અટલ ફરજ છે. કારણ કે તે આપણા વીરોનું સમર્પણ અને વારસો છે. આ અભિયાન દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપે મોરબીના નાગરિકોમાં સ્વચ્છતા, સમાજસેવા અને રાષ્ટ્રપ્રેમની જ્ઞાપક જાગૃતિ ફેલાવી છે, આવા પ્રયાસો શહેરને વધુ સુંદર, સ્વચ્છ અને એકતામય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.તેમ તેઓએ અંતમાં જણાવ્યું હતું.