મોરબી : મોરબી જિલ્લામાં શિયાળુ પાક લેવાના સમયે જો કેનાલ બંધ કરવામાં આવશે તો આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરીયાએ ખેડૂતોને સાથે રાખી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરીયાએ જણાવ્યું છે કે, ધ્રાંગધ્રા કે માળિયા બ્રાંચ કેનાલ રિપેરિંગના નામે બંધ થવાની છે એવી માહિતી મળી છે. જો બંધ કરવામાં આવે તો તેની નીચેના વિસ્તારમાં આવતા ગામડાના ખેડૂત ને પારાવાર નુકશાની થાય એમ છે. ખેડૂતોને હવે શિયાળુ પાકના વાવેતરનો સમય થયો ત્યારે જ કેમ રિપેરિંગ યાદ આવ્યું ? અતિ વરસાદના કારણે ચોમાસુ સિઝનમાં તો ખેડૂતોને નુકસાની છે પણ ખેડૂતોને હવે શું શિયાળુ પાક પણ ગુમાવવો પડશે ? અત્યાર સુધી ભાજપના નેતાઓના ઇશારે આ કામ થતું હોય એવું લાગી રહ્યું છે. કેમ કે આટલા વર્ષોથી ખેડૂતોની સમસ્યા આ નેતાઓને દેખાતી નથી. જો કેનાલ બંધ થશે તો ખેડૂતોને સાથે રાખીને પંકજ રાણસરીયાની સાથે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.






