મોરબીમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાષ્ટ્ર ગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવામાં આવ્યું હતું અને સ્વદેશીના શપથ લીધા હતા.
આપણા રાષ્ટ્ર ગીત વંદે માતરમ લખાયાને ૧૫૦ વર્ષ પૂર્ણ થતા સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકોમાં રાષ્ટ્રગીત અને દેશ માટે ગર્વની ભાવના જાગે તથા જન માનસમાં તેની બહોળી પ્રસિદ્ધિ થાય તેવા હેતુથી રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ વંદે માતરમ@૧૫૦ અન્વયે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે જિલ્લામાં જિલ્લા સેવાસદન, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, પોલીસ અધિક્ષકની કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓમાં રાષ્ટ્ર ગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહ ગાન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજનમાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. ઉપસ્થિત સૌએ આ પ્રસંગે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા તથા અન્યને આ બાબતે પ્રોત્સાહિત કરવા શપથ લીધા હતા.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર ઉમંગ પટેલ, મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, જિલ્લા પુરવઠા અધિકારી જૈમીન કાકડિયા, જિલ્લા આયોજન અધિકારી વી.બી. માંડલિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, જિલ્લા રમતગમત અધિકારી રવિભાઈ રાઠોડ સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






