” એક આદર્શ રોડ મેપ બનાવી મોરબી જિલ્લામાં વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે; વિકાસના પંથે મોરબી હજુ આગળ વધે તે માટે સહિયારા પ્રયાસ કરીએ “– મંત્રી કાંતિભાઈ અમૃતિયા
મોરબીમાં બેલા(રંગપર) ખાતે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં રોડ રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં મંત્રીશ્રીના વરદ હસ્તે માર્ગ અને મકાન વિભાગ પંચાયત તથા સ્ટેટ હસ્તકના રૂ. ૫૯.૭૭ કરોડથી વધુના રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, એક આદર્શ રોડ મેપ બનાવી મોરબી જિલ્લામાં વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે. વિકાસના પંથે મોરબી હજુ આગળ વધે અને બહારના લોકોને મોરબી આવવાનું મન થાય તે માટે સૌને સહિયારા પ્રયાસ કરવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ ની નેમ સાથે મોરબી જિલ્લામાં અનેક વિકાસ કાર્યો નિર્માણ પામી રહ્યા છે. અને રાજ્યની સાથે મોરબી જિલ્લો વિકાસના માર્ગે હરણફાળ કરી રહ્યો છે.
પ્રાસંગિક પ્રવચન આપતા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે કોઈ પણ ક્ષેત્રના વિકાસ માટે રોડ રસ્તા ખૂબ જ મહત્વના છે. ત્યારે આ માર્ગોના નિર્માણ થકી મોરબીના વિકાસને વધુ વેગ મળશે.
મોરબી જિલ્લામાં વાહન વ્યવહાર સુગમ બનાવવા તથા પરિવહન ક્ષેત્રે માળખાકીય પરિવર્તન માટે અંદાજે રૂ. ૨૮.૪૩ કરોડથી વધુના ખર્ચે બેલા ભરતનગર (શ્રી ખોખરા હનુમાન) રોડ, અંદાજે રૂ. ૭.૯૦ કરોડના ખર્ચે પીપળીયા-મહેન્દ્રગઢ-સરવડ રસ્તાનું રીસર્ફેસિંગ, અંદાજે રૂ. ૭.૫૧ કરોડથી વધુ ના ખર્ચે ઝિકિયારી ખાતે મેજર બ્રિજ અને અંદાજે રૂ. ૧૫.૯૩ કરોડથી વધુના ખર્ચે અણીયારી વેજલપર ઘાટીલા રોડ સહિતના રોડ રસ્તાના કાર્યોની ભેટ મંત્રીશ્રીએ મોરબી જિલ્લાને અર્પણ કરી હતી.
આ પ્રસંગે મોરબી જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય જીગ્નેશભાઈ કૈલા, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેર દિગ્વિજય સોલંકી, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઈજનેર દિવ્યેશભાઈ બાબરવા, મોરબી ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન જયંતીભાઈ પટેલ, મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ પટેલ તથા પદાધિકારીઓ અને અધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






